ફ્લોરિડામાં ‘ગે ક્લબ’ પર આતંકી હુમલોઃ ગોળીબારમાં ૫૦નાં મોત

Monday 13th June 2016 09:56 EDT
 
 

ફ્લોરિડા સ્ટેટના ઓરલાન્ડોની પલ્સ નામની એક ગે નાઇટ ક્લબમાં થયેલા એક આત્મઘાતી આતંકવાદી હુમલામાં ૫૦ લોકો માર્યા ગયા છે જ્યારે ૬૦થી પણ વધારેને ઇજા થઇ છે. ૯/૧૧ પછીના અમેરિકા પરના આ સૌથી મોટા આત્મઘાતી હુમલાની જવાબદારી ઇસ્લામિક સ્ટેટ (આઇએસ)એ સ્વીકારી છે. અફઘાની મૂળના અમેરિકન નાગરિક ઓમર મતીન એસોલ્ટ રાઇફલ સાથે ક્લબમાં ઘૂસી ગયો હતો અને અંધાધૂંધ ફાયરિંગ કરવા લાગ્યો હતો. બાદમાં તેણે ડાન્સ ફ્લોર પર જઈને સુસાઈડ બેલ્ટથી વિસ્ફોટ કરીને પોતાની જાત સહિત અનેકને ફૂંકી માર્યા હતા. આ હુમલા સમયે ક્લબમાં ગે ક્લબના સભ્યોની પાર્ટી ચાલી રહી હતી.

અમારો લડવૈયોઃ આઇએસ

ઇસ્લામિક સ્ટેટની અમાક ન્યૂઝ એજન્સીએ આ ઓરલાન્ડો શૂટઆઉટની જવાબદારી લીધી છે. તેણે એક નિવેદનમાં કહ્યું હતું કે ‘અમેરિકાના ફ્લોરિડા શહેરમાં ગે નાઇટ ક્લબને નિશાન બનાવીને કરાયેલો હુમલો ઇસ્લામિક સ્ટેટના લડવૈયાએ કર્યો હતો.’ હુમલામાં માર્યા ગયેલા મતીનની ભૂતપૂર્વ પત્નીએ તેના વિશે રહસ્યસ્ફોટ કરતા કહ્યું હતું કે મતીન માનસિક રીતે અસ્વસ્થ હતો અને તે ખૂબ જ હિંસાખોર હતો. સુરક્ષાના કારણોસર મતીનની ભૂતપૂર્વ પત્નીની ઓળખ જાહેર કરાઇ નથી. સોશ્યલ સાઇટ પર લોકો તેને આઇએસનો સપોર્ટ હોવાનું જણાવતા હતા. એફબીઆઇએ પણ આઇએસનો હુમલો છે તેમ માનીને જ તપાસ શરૂ કરી છે.

હુમલો કરવાનો છુંઃ મતીન

હુમલાખોર ઓમર મતીને હુમલો કરતા પહેલાં ઇમરજન્સી સર્વિસ 911ને ફોન કરીને કહ્યું હતું કે તે આતંકી જૂથ આઇએસ વતી હુમલો કરવા જઇ રહ્યો છે.
અમેરિકાના ઈતિહાસમાં ગોળીબારની આ સૌથી મોટી ઘટના છે. હુમલો લોકલ ટાઇમ પ્રમાણે રવિવારે મધરાત્રે થયો હતો. એફબીઆઇના પ્રવક્તાએ કહ્યું હતું કે આ આતંકી હુમલો હતો. આતંકવાદી વિચારધારાથી પ્રેરાઈને કરાયેલા આ કૃત્યને પ્રમુખ બરાક ઓબામાએ આકરા શબ્દોમાં વખોડી કાઢ્યું હતું. તેમણે હોમલેન્ડ સિક્યોરિટી અને કાઉન્ટર ટેરરિઝમને મદદ પૂરી પાડવાના આદેશ કર્યા હતા. દેશની ટોચની ગુપ્તચર સંસ્થા એફબીઆઈએ આ આતંકવાદી કૃત્ય અંગે તપાસ હાથ ધરી છે.

હુમલો અમેરિકા પરઃ ઓબામા

અમેરિકાના પ્રમુખ બરાક ઓબામાએ આ હુમલાને ‘આતંકવાદી અને નફરતનું કૃત્ય’ ગણાવી તેની ભારે ટીકા કરી હતી. આ અનેક ડઝન નિર્દોષ લોકોનો નરસંહાર છે. પલ્સ જેવી નાઇટક્લબ્સ એ નાઇટક્લબથી પણ વિશેષ હોય છે કેમ કે તે એલજીબીટી અમેરિકનોની એકસૂત્રતાનો પરિચય કરવા માટેનું એક સ્થળ છે. આવા સ્થળે હુમલો તમામ અમેરિકન પરનો હુમલો છે.
ઇસ્લામિક આતંકવાદ વિશે હું સાચોઃ ટ્રમ્પ
અમેરિકી પ્રમુખપદની ચૂંટણીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે પ્રત્યાઘાત આપતાં કહ્યું હતું કે ઇસ્લામિક આતંકવાદ વિશે હું સાચો પડ્યો છું તે વિશે મને અભિનંદનો મળી રહ્યાં છે. હું ઇચ્છું છું કે આપણે વધુ કઠોર અને સાવધ બનીએ. આપણે વધુ સ્માર્ટ બનીએ. ટ્રમ્પે કહ્યું હતું કે શા માટે ઓબામા કટ્ટર ઇસ્લામિક આતંકવાદ શબ્દ ઉચ્ચારવાનું ટાળી રહ્યા છે. જો તેઓ એવું ના ઉચ્ચારી શકે તો તેમણે રાજીનામું ધરી દેવું જોઇએ.

શૂટઆઉટ પહેલાં બંદી બનાવ્યા

હુમલા સમયે ક્લબમાં હાજર લોકોએ જણાવ્યું હતું કે, આ શૂટઆઉટ પહેલાં અમને બંદી બનાવાયા હતા. ક્લબમાં લાઉડ મ્યુઝિક વચ્ચે આશરે ૩૫૦ લોકો પાર્ટી કરી રહ્યા હતા. એ વખતે હત્યારાએ આશરે ૧૦૦ લોકોને બંદી બનાવી લીધા હતા. એફબીઆઈના સ્પેશિયલ એજન્ટ રોન હાર્પરે જણાવ્યું હતું કે, ઓમર મતીન ઇસ્લામિક કટ્ટરવાદી વિચારધારા તરફ ઝોક ધરાવતો હતો.
હુમલાખોર વિસ્ફોટકો ભરેલું જેકેટ પહેરીને ઘૂસ્યો હતો. તેની પાસે એસોલ્ટ રાઇફલ હતી અને તેણે અનેક લોકોને બંદી બનાવી લીધા હતા. આ ઘટના બની ત્યારે એલજીબીટી કમ્યુનિટી ક્લબમાં પ્રાઇડ મન્થ સેલિબ્રેટ કરી રહ્યા હતા. ક્લબમાં રહેલા કેટલાક લોકોને તો શરૂઆતના ફાયરિંગના અવાજ મ્યુઝિક પાર્ટીનો ભાગ હોય તેવું લાગ્યું હતું. જોકે થોડી જ મિનિટોમાં ખબર પડી કે ખરેખર ગોળીબાર થઇ રહ્યો છે. ત્યારબાદ બધા આમ-તેમ જીવ બચાવવા ભાગ્યા હતા.
એક સાક્ષીએ કહ્યું હતું કે ‘રાત્રે બે વાગ્યે ફાયરિંગ થયું ત્યારે હું ત્યાં જ હતો. આખી ક્લબ માણસોથી ખીચોખીચ ભરાયેલી હતી. શૂટર એસોલ્ટ રાઇફલ લઇને આવ્યો હતો. તેણે અંદર અનેક લોકોને બંદી બનાવી લીધા હતા.’

મતીન ક્લબની બહાર હતો ત્યારે એક પોલીસ અધિકારીએ તેને અટકાવવા પ્રયાસ કર્યો હતો અને તે બન્ને વચ્ચે સામસામે ગોળીબાર થયો હતો. જોકે બાદમાં તે ફરી ક્લબમાં ઘુસી ગયો હતો અને પછી અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો.

ગોળીબારની જાણ થતાં જ સ્થાનિક પોલીસ બુલેટપ્રૂફ વ્હિકલ લઈને ઘટનાસ્થળે ધસી ગઈ હતી. પોલીસે ક્લબમાં ફસાયેલા લોકોને બચાવવા વિસ્ફોટકો અને બિયર-કેટ નામની મજબૂત પોલીસ વાનથી દીવાલ પણ તોડી પાડી હતી. આ ઓપરેશનમાં ૩૦ જેટલા લોકોને બચાવી શકાયા હતા.

હુમલાખોર ઓમર મતીન કોણ છે?

પોલીસ તપાસ પ્રમાણે, પલ્સ ક્લબમાં શૂટિંગ કરનારો ઓમર મતીન આશરે ૨૯ વર્ષીય અફઘાન મૂળનો યુવક હતો. તેના માતા અને પિતા બંને અફઘાનિસ્તાનના જ હતા. આ પરિવાર ફ્લોરિડાના સેંટ લુઇમાં રહેતો હતો. ઓરલાન્ડોથી આ સ્થળ ૨૦૦ કિલોમીટરના અંતરે આવેલું છે. જોકે, ઓમર મતીન પલ્સ શૂટિંગ સિવાય કોઈ જ પ્રકારનો ગુનાઇત ઇતિહાસ ધરાવતો નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter