વોશિંગ્ટનઃ અમેરિકાના ટોચના ઇન્વેસ્ટર અને અનેક ક્ષેત્રે સખાવતો કરનારા બિલિયોનેર રોબર્ટ એફ. સ્મિથે એટલાન્ટાની મોરહાઉસ કોલેજમાં આ વર્ષે ગ્રેજ્યુએશન કરી રહેલા ૨૮૦ સ્ટુડન્ટ્સની ૪ કરોડ ડોલરની લોન ભરપાઇ ચૂકવી દેવાની જાહેરાત કરી છે.
મોટા ભાગે સ્ટુડન્ટ્સ બે લાખ ડોલરની લોન લેતા હોય છે અને એ ચૂકવવા માટે આશરે ૨૫ વર્ષનો સમય લાગી જતો હોય છે. આમ સ્વાભાવિક છે કે સ્મિથની આ જાહેરાતથી સ્ટુડન્ટસમાં ખુશીનું મોજું ફરી વળ્યું હતું. રવિવારે યોજાયેલા કોન્વોકેશન સમારોહમાં તેમણે આ જાહેરાત કરી હતી. કેટલાક સ્ટુડન્ટ્સ તો આ જાહેરાત સાંભળીને રડી પડ્યા હતા.
કોલેજનું કહેવું છે કે અત્યાર સુધીની આ સૌથી મોટી ગિફ્ટ છે. આ સમારોહમાં સ્મિથને મોરહાઉસ કોલેજ તરફથી માનદ્ ડોક્ટરેટની ડિગ્રી અપાઇ હતી. તેમણે કોલેજ માટે પણ ૧૫ લાખ ડોલરનું દાન કર્યું હતું. મોરહાઉસ કોલેજમાં મોટા ભાગે અશ્વેત સ્ટુડન્ટ્સ અભ્યાસ કરે છે. રોબર્ટ સ્મિથ ખુદ અશ્વેત છે. તેમણે કહ્યું હતું કે અમારી આઠ પેઢી અમેરિકામાં રહે છે તેથી મારો પરિવાર પણ કંઈક યોગદાન આપવા માગે છે.
રોબર્ટ સ્મિથ વિસ્ટા ઇક્વિટી પાર્ટનર્સના સ્થાપક છે અને હાલમાં ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર છે. તેમની કંપની સોફ્ટવેર, ડેટા અને ટેકનોલોજી સાથે સંકળાયેલી કંપનીઓમાં રોકાણ કરે છે. રોબર્ટ સ્મિથની નેટ વર્થ ૪.૪૭ બિલિયન ડોલર છે.
૨૫ વર્ષનો બોજ હળવો
એક સ્ટુડન્ટે તો બે લાખ ડોલરની લોનની ચૂકવણી કેવી રીતે થાય છે એની એક્સેલ શીટ બનાવી હતી. એના કહેવા મુજબ આ લોન પૂરી કરવામાં મને ૨૫ વર્ષ લાગ્યા હોત. આમ સ્મિથે અમારી ૨૫ વર્ષની મુશ્કેલીને એક ધડાકે આસાન કરી દીધી છે.
હાલના શિક્ષણ એકદમ મોંઘું થયું છે અને ઉચ્ચ અભ્યાસ માટે લોન લેવી જરૂરી છે. અમેરિકાની વિવિધ યુનિવર્સિટીમાં ભણવા માટે લોન લેવી પડે છે. આથી અમેરિકામાં સ્ટુડન્ટ્સ લોન એક રાષ્ટ્રીય મુદ્દો છે. આગામી દિવોસમાં થનારી અમેરિકાના પ્રમુખપદની ચૂંટણીમાં પોતાને ટોચના દાવેદાર માનતા સાંસદો પણ આ મુદ્દે સંસદમાં ચિંતા વ્યક્ત કરી ચૂક્યા છે.