વોશિંગ્ટનઃ અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતની વેપાર નીતિ સામે પ્રશ્નો ઉઠાવતાં ૧૧મી જૂને કહ્યું હતું કે ભારત કેટલીક અમેરિકી ચીજવસ્તુઓ પર ૧૦૦ ટકા સુધીની આયાત જકાત વસૂલે છે. તેમણે અમેરિકી વસ્તુઓ પર જકાત વસૂલનાર દેશો સાથેના વેપારી સંબંધો કાપી નાંખવાની ધમકી પણ ઉચ્ચારી છે. ભારત તરફ ઇશારો કરતા કહ્યું વિકસિત દેશો નહીં પણ ભારત જેવા દેશો પણ અમેરિકી ચીજવસ્તુઓ પર ૧૦૦ ટકા જકાત વસૂલ કરે છે. ભારતીય વસ્તુઓ પર અમે કોઈ જકાત વસૂલતા નથી. ટ્રમ્પે આ અગાઉ હાર્લિ ડેવિડસન બાઈક પર વસૂલાતી જકાત અંગે ધમકી આપી હતી.
ભારત-અમેરિકા વચ્ચે વેપાર
ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો સારી સ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે તે સમયે આ ચીમકી ઉચ્ચારી છે. ગયા વર્ષે બંને દેશો વચ્ચેનો વેપાર ૧૧ અબજ ડોલરથી વધીને ૧૨૫ અબજ ડોલર સુધી પહોંચ્યો હતો જે અત્યાર સુધીનો વિક્રમ છે. અમેરિકા ફર્સ્ટ પોલીસી લઈને ચાલતા ટ્રમ્પનું કહેવું છે કે તેમનું અંતિમ લક્ષ્ય તમામ પ્રકારની વેપારી જકાત દૂર કરવી.