ન્યૂ યોર્કઃ ભારતીય અમેરિકન કોંગ્રેસમેન એમી બેરાના પિતાએ પુત્રના ચૂંટણીપ્રચાર માટે યુએસ ફેડરલ કાયદાઓનો ભંગ કરીને બે લાખ ડોલર કરતાં પણ વધારે રકમનું ભંડોળ એકત્ર કર્યું હોવાની કબૂલાત કરી છે. કેલિફોર્નિયાના સેક્રામેન્ટોમાં યુએસ જિલ્લા જજ ટ્રોય નન્લીની કોર્ટમાં ગુનો કબૂલતાં કેલિફોર્નિયાના લા પાલ્માના રહેવાસી બાબુલાલ બેરાને દસ વર્ષ સુધીની જેલ થઇ શકે છે.
૮૩ વર્ષના બાબુલાલે કબુલ્યું હતું કે વર્ષ ૨૦૧૦ અને ૨૦૧૨માં તેમના પુત્રના કેલિફોર્નિયામાં બે વખતના પ્રચાર દરમિયાન વ્યકિતગત મંજૂરીપાત્ર ભંડોળ કરતાં વધુ રકમ તેમણે એકત્ર કરી હતી. બાબુલાલે કહ્યું હતું કે તેમણે મિત્રો, પરિવારજનો અને ઓળખીતાઓ પાસેથી પૈસા ઉઘરાવ્યા હતા ત્યાર પછી ફેડરલ કાયદા દ્વારા નક્કી કરાયેલી યોગદાનની મર્યાદા કરતાં વધુનો ખર્ચ કરી એ રકમનું રિફંડ લીધું હતું.