વોશિંગ્ટનઃ અર્ન્સ્ટ એન્ડ યંગ દ્વારા ૧૮ નવેમ્બરે યુએસ એન્ત્રપ્રિન્યોર ઓફ ધ યર ૨૦૧૭ સ્પર્ધાના વિજેતાઓની જાહેરાત કરવામાં આવી હતી. તેમાં TESARO કંપનીના લોની મોલ્ડર અને મેરી લીન હેડલીને વિજેતા જાહેર કરાયા હતા તે સાથે ભારતીય મૂળના અમેરિકન આસિફ રામજીને ફાયનાન્સિયલ સર્વિસ કેટેગરીમાં રાષ્ટ્રીય વિજેતા જાહેર કર્યો હતા.
રામજી સાઉથઈસ્ટ પ્રાંતમાંથી આવતા વિજેતાઓ પૈકી એક હતા. દેશના ૨૫ પ્રાંતમાંથી ઘણાં ભારતીય અમેરિકન અને સાઉથ એશિયન અમેરિકન એન્ત્રપ્રિન્યોર્સ સ્પર્ધામાં હતા.
કેન્યામાં જન્મેલા અને કેનેડામાં રહી ચૂકેલા રામજી પેમેટ્રિકના પ્રેસિડેન્ટ અને CEO છે. તેમણે ગ્રેટર એટલાન્ટાની આ કંપનીમાં ટોચના ઘણાં હોદ્દા સંભાળ્યા હતા. ૨૦૦૯માં તેઓ જ્યારે કંપનીમાં જોડાયા ત્યારે કંપની લાખો ડોલરનું નુક્સાન કરતી હતી. તેમણે જણાવ્યું હતું કે તે તેમના જીવનના સૌથી શ્રેષ્ઠ નિર્ણયો પૈકીનો એક હતો. પોતે સારું કરી શકશે તેવા વિશ્વાસ સાથે કંપનીમાં જોડાયા હતા. સર્વિસ સબસ્ક્રિપ્શન માટે તેમણે કંપનીનું બિઝનેસ મોડેલ લાયસન્સ્ડ સોફ્ટવેરથી બદલીને ક્લાઉડ બેઝ્ડ સોફ્ટવેર કર્યું હતું.
૧૮ મહિનામાં રામજીએ નક્કી કર્યું હતું તેમ દરેક ગ્રાહકને મન્થલી રિકરિંગ સબસ્ક્રાઈબરમાં ફેરવી દેતા માસિક આવક ઉભી થવા લાગી. કંપનીનો ક્લાયન્ટ બેઝ ત્રણ ગણો થઈ ગયો અને કંપની નફો કરવા લાગી. પેમેટ્રિકે સપ્ટેમ્બર,૨૦૧૩માં તેનો હિસ્સો પ્રાઈવેટ કંપનીને વેચ્યો. તેણે તે હિસ્સો અગ્રણી પેમેન્ટ પ્રોસેસર વેન્ટિવને વેચ્યો. આ ટ્રાન્ઝેક્શનથી સૌના જીવનમાં પરિવર્તન આવ્યું. અત્યારે પેમેટ્રિક ઈન્ટિગ્રેટેડ પેમેન્ટ અને ડેટા સિક્યુરિટીમાં વિશ્વમાં અગ્રણી કંપની ગણાય છે.