વોશિંગ્ટનઃ અમેરિકાના એરિઝોનામાં એક યુવતી ઉપર યુવકનો પીછો કરવાનો અને તેને અધધધ ૬૫ હજાર મેસેજ મોકલીને માનસિક ત્રાસ ગુજારવાનો આરોપ મૂકાયો છે. પોલીસના જણાવ્યા અનુસાર, જેકલિન એડ્સ નામની ૩૧ વર્ષની આ યુવતી યુવકને માત્ર એક જ વાર મળી છે. એડ્સના કથિત બોયફ્રેન્ડે આપેલા નિવેદન અનુસાર બંને કોઇ ડેટિંગ એપ પર મળ્યા હતા અને ૨૦૧૭માં એક વખત ડેટ પર ગયા હતા. પહેલી મુલાકાતમાં જ જેકલિન આ યુવકના પ્રેમમાં પડી ગઇ અને ત્યાર બાદ તેનો સતત પીછો કરવા લાગી.
યુવકના જણાવ્યા પ્રમાણે, એડ્સે તેના ઘરની બહાર રીતસર અડ્ડો જમાવી દીધો હતો. ઘણી વાર તો દિવસમાં ૫૦૦ મેસેજ મોકલતી હતી. ગયા મહિને યુવકે તેના ઘરનો સર્વેલન્સ વીડિયો ચેક કર્યો તો જેકલિન તેના બાથટબમાં બાથ લઇ રહી હતી. યુવકે તાત્કાલિક પોલીસનો સંપર્ક કર્યો અને પોલીસે યુવકના ઘરેથી એડ્સની ધરપકડ કરી હતી.
પોલીસે જેકલિનની કારની તપાસી તો તેની પેસેન્જર સીટ પરથી ઘણા બધા બુચર નાઇફ (કસાઇના છૂરા) મળ્યા. તે ઘટના બાદ પોલીસે જેકલિનને ફરીથી આવું નહીં કરવાની ચેતવણી આપીને છોડી મૂકવામાં આવી હતી. ત્યારબાદ તાજેતરમાં એડ્સ સ્કોટડેલમાં યુવકના બિઝનેસ હાઉસમાં પહોંચી હતી અને ત્યાં સ્ટાફને કહ્યું કે તે યુવકની પત્ની છે. આખરે કંટાળીને યુવકે પોલીસને બોલાવી અને પોલીસે એડ્સની ધરપકડ કરી.
જેકલિનનું કહેવું છે કે, તેના બોયફ્રેન્ડને મારી નાખવાનો કે તેને શારિરીક કે માનસિક ત્રાસ મોકલવાનો તેનો કોઇ ઇરાદો નહોતો. તે આ યુવકને બેહદ પ્રેમ કરે છે, પણ તેને ડર છે કે યુવક તેને કાયમ માટે છોડી દેશે. હાલ તો જેકલિન પોલીસ કસ્ટડીમાં છે.