આટલાન્ટાઃ અહીં ફેડરેશન ઓફ જૈન એસોસિયેશન ઇન સાઉથ અમેરિકા (ફો-જૈના) દ્વારા તાજેતરમાં કચ્છના વતનીઓનો મિલન સમારંભ યોજાયો હતો. જેમાં ૩૦૦થી વધુ કચ્છી પરિવારો હાજર રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં પરિવારોએ તાલુકા પ્રમાણે પોતાનો પરિચય આપ્યો હતો. મુંબઇના શ્રેણિક શાહે કચ્છની ઐતિહાસિક માહિતી વિગતે રજૂ કરી હતી. નરેન્દ્ર નંદુએ કચ્છી સંસ્કૃતિ અંગે છણાવટ કરીને ફો-જૈના પરિવારમાં જે તબીબો છે તેમના અનુભવ અને સેવાનો લાભ કચ્છીઓને મળે તે મુદ્દે ભાર મૂકયો હતો. આ મિલન સમારંભમાં સંસ્થા પૂર્વ પ્રમુખ અને બિદડા સર્વોદય ટ્રસ્ટના ચેરમેન વિજયભાઇ છેડાને ‘જૈના એડલ્ટ લીડરશિપ એવોર્ડ’ એનાયત કરવામાં આવ્યો હતો. છેડાએ આ પ્રસંગે બિદડા ખાતે યોજાતા જાન્યુઆરીના મેગા મેડિકલ કેમ્પમાં સ્વયંસેવક તરીકે સેવા આપવા અને આરોગ્ય સ્વસ્થ રહે તે માટે સંકુલમાં કાર્યરત રતનવીર નેચર કયોર સેન્ટરની મુલાકાત લેવા અનુરોધ કર્યો હતો. ફો-જૈનાના પ્રમુખ દિનેશ છેડાએ યુવક-યુવતીના લગ્ન, શૈક્ષણિક ક્ષેત્રે સમાજના સભ્યોને માહિતી મળી રહે અને સંસ્થાની પ્રવૃત્તિને વધુ વેગ મળે તે માટે સમાજના સોવિનિયેર માટે વિગતો મોકલવા અનુરોધ કર્યો હતો. મંત્રી અલકા રાંભિયાએ સંસ્થાની પ્રવૃત્તિની માહિતી આપી હતી.