વોશિંગ્ટનઃ અમેરિકાની ડોનાલ્ડ ટ્રમ્પ સરકારે મધ્ય પૂર્વ અને આફ્રિકાના મુસ્લિમ બહુમતી ધરાવતા આઠ દેશોના પ્રવાસીઓ પર વધુ નિયંત્રણો મૂક્યાં છે. આ દેશોના ૧૦ જેટલા એરપોર્ટ પરથી અમેરિકા પ્રવાસ કરી રહેલા પ્રવાસીઓ પર કેબિન બેગમાં કેમેરા, લેપટોપ જેવા ઇલેક્ટ્રોનિક ઉપકરણો રાખવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
આતંકવાદી હુમલાની આશંકાઓમાં ઘટાડો કરવાના પ્રયાસોના ભાગરૂપ ટ્રમ્પ સરકારે સુરક્ષા માટેના નવા પગલાંની જાહેરાત કરી હતી. જે આઠ મુસ્લિમ દેશોના પ્રવાસીઓ પર તેની અસર થશે એ દેશોમાં ઇજિપ્ત, દુબઈ, યુએઇ, તુર્કી, કતાર, કુવૈત, મોરોક્કો અને સાઉદી અરેબિયાનો સમાવેશ થાય છે.
આ નિયમ મુજબ દુબઈ સહિતના આઠ મુસ્લિમ દેશના પ્રવાસીઓ વિમાનમાં સાથે રાખવા માટેની બેગમાં સ્માર્ટ ફોન કરતાં મોટી સાઇઝનું કોઈ પણ ઇલેક્ટ્રોનિક ઉપકરણ રાખી શકશે નહીં. આ દેશોના પ્રવાસીઓ ટેબલેટ, આઇપેડ, કિંડલ્સ, લેપટોપ કે કેમેરા સહિત કોઈ પણ ડિવાઇસ રાખી શકશે નહીં. સામાન્ય પણે પ્રવાસીઓ આવી ડિવાઇસ પોતાની સાથે બેગમાં રાખે છે.