વોશિંગ્ટન: અમેરિકાએ ઉરીમાં પાકિસ્તાન પ્રેરિત ત્રાસવાદી હુમલાને સીમા પારનો ત્રાસવાદ ગણાવ્યો હતો. અને તેનો બદલો લેવા ભારતે કરેલી સર્જિકલ સ્ટ્રાઈકને ટેકો આપતાં ૧૩મી ઓક્ટોબરે કહ્યું કે, ભારતને આત્મરક્ષાનો અધિકાર છે. દરેક દેશને તેમનું પોતાનું રક્ષણ કરવાનો અધિકાર છે. તેમ વ્હાઇટ હાઉસનાં અધિકારી પીટર લાવોયે જણાવ્યું હતું. ઇન્ડિયા યુએસ સિક્યુરિટી ટાઇ એટ ધ સેન્ટર ફોર સ્ટ્રેટેજિક એન્ડ ઇન્ટરનેશનલ સ્ટડિઝ રિપોર્ટમાં તેમણે આવું જણાવ્યું હતું. પાકિસ્તાન સાથેનાં અમેરિકાનાં સંબંધોને ધ્યાનમાં લેતાં આ નિવેદનને સાવધાનીભર્યું ગણવામાં આવે છે. આમ છતાં તેમાં ભારતે કરેલી સર્જિકલ સ્ટ્રાઇકને સ્પષ્ટપણે સમર્થન આપવામાં આવ્યું છે. ઉરીમાં હુમલો કરીને ૧૯ ભારતીય જવાનોની હત્યા કરવાના પાકિસ્તાની ત્રાસવાદીઓનાં કૃત્યને તેમણે ક્રોસ બોર્ડર ટેરરિઝમ ગણાવ્યું હતું. ભારતની સીમા ઓળંગીને ત્રાસવાદીઓ ભારતની હદમાં આવ્યા હતા. આ એક ભયાનક હુમલો હતો જેને અમે તત્કાળ વખોડ્યો હતો તેમ લાવોયે કહ્યું હતું.