નવી દિલ્હીઃ ભારત અને અમેરિકા વચ્ચેની બીજી વ્યૂહાત્મક અને કોમર્શિયલ મંત્રણા યોજવા ભારતની મુલાકાતે આવેલા અમેરિકાના વિદેશ પ્રધાન જોન કેરીએ ૩૧મી ઓગસ્ટે કહ્યું હતું કે, પાકિસ્તાન તેમજ અન્ય દ્વારા આચરવામાં આવતા ત્રાસવાદ સામે લડવા અમેરિકા ભારતનો મજબૂત સાથી છે અને રહેશે. પાકિસ્તાનની જમીન પરથી ફેલાવવામાં આવતા ત્રાસવાદ સામે લડવા ત્યાંના ત્રાસવાદીઓ સામે પગલાં લેવાની ભારતની માગણીને અમેરિકા પૂરેપૂરો ટેકો આપે છે.
તમામ પ્રકારના ત્રાસવાદ સામે લડવા બંને દેશો સાથે મળીને કામ કરશે. પાકિસ્તાન દ્વારા સીમાપાથી આચરવામાં આવતો ત્રાસવાદ અને તેની સામે લડવાનો મુદ્દો બંને દેશના વિદેશ પ્રધાનોની ચર્ચામાં મહત્ત્વનો રહ્યો હતો. આ માટે સંયુક્ત સાયબર માળખું રચવા, ગુપ્ત માહિતીની આપ-લે માટે બંને દેશો સંમત થયા હતા.