વોશિંગ્ટનઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાની સંસદને પોતાના ઐતિહાસિક સંબોધનમાં પાકિસ્તાનને આતંકવાદનો ગઢ ગણાવતા કહ્યું હતું કે જે લોકો રાજકીય લાભ ખાટવા માટે આતંકવાદને પોષી રહ્યા છે એમને વ્હાઈટ હાઉસે સ્પષ્ટ શબ્દોમાં સંદેશ આપવો જોઈએ. આતંકવાદને કોઈ ધર્મ નથી હોતો. ભારત સહઅસ્તિત્વમાં એટલે કે સાથે જીવવામાં અને સાથે આગળ વધવામાં માને છે. મોદીને તેમના ૪૬ મિનિટમાં પ્રવચનમાં નવ વખત સ્ટેન્ડિંગ ઓવેશન અપાયું હતું.
અમેરિકન સંસદના બન્ને ગૃહની સંયુક્ત બેઠકને અંગ્રેજી ભાષામા સંબોધન કરતા મોદીએ ભારત અને અમેરિકા વ્યૂહાત્મક ભાગીદારી કરીને વિશ્વને શું આપી શકે છે તેનો ઉલ્લેખ કરવાની સાથોસાથ સુરક્ષા, આતંકવાદ, દ્વિપક્ષીય વેપાર અને પરસ્પરના આર્થિક હિત સહિત તમામ મુદ્દા છેડયા હતા. વડા પ્રધાન પદ સંભાળ્યા બાદ નરેન્દ્ર મોદીનું વિદેશની સંસદમાં આ દસમું સંબોધન હતું. યુએસ કોંગ્રેસના સ્પીકર પોલ રયાને વડા પ્રધાન મોદીનું સ્વાગત કર્યું હતું.
યુનાઇટેડ સ્ટેટસ કોંગ્રેસને સંબોધતા મોદીએ કહ્યું કે ભારત-અમેરિકાના મજબૂત સંબંધોથી જ એશિયાથી લઈને આફ્રિકા અને હિંદ મહાસાગરથી લઈને પેસિફિક સમુદ્ર સુધીના વિસ્તારોમાં શાંતિ, સમૃદ્ધિ અને સ્થિરતા લાવી શકે છે. અમે અમેરિકાના વ્યૂહાત્મક હિતો સાથે ભારતને મજબૂત અને સમૃદ્ધ જોવા માગીએ છીએ. હું તમને સાથે કામ કરવાનું આહવાન આપું છું.
આતંકવાદ સામે એકસંપ થઇએ
આ દરમિયાન મોદીએ મુંબઈ પરના આતંકી હુમલાની તપાસમાં ભારત સરકારને મદદ કરવા બદલ અમેરિકાનો આભાર માન્યો હતો. મોદીએ કહ્યું હતું કે, મુંબઈ હુમલા વખતે અમેરિકન સંસદે ભારતને આપેલો સહકાર હંમેશાં યાદ રહેશે. લશ્કર-એ-તૈઇબા, જૈશ-એ-મોહમ્મદ કે ઈસ્લામિક સ્ટેટ જેવા સંગઠનો ફક્ત ભારત માટે નહીં, પણ સમગ્ર વિશ્વ માટે ખતરા સમાન છે. આપણે સારો અને ખરાબ આતંકવાદ એવો ભેદ નહીં પાડવો જોઈએ. આપણે તમામ સ્તરે એની સામે લડવું જોઈએ.
અમેરિકામાં ભારતીયો અગ્રેસર
ભારત અને અમેરિકાના સાંસ્કૃતિક સંબંધોની વાત કરતા નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, આજે અમેરિકામાં ૩૦ લાખ ભારતીય અમેરિકનો છે, જેમાં દુનિયાના શ્રેષ્ઠ સીઈઓ, શિક્ષણવિદો, અંતરીક્ષયાત્રીઓ, વિજ્ઞાનીઓ, અર્થશાસ્ત્રીઓ અને ડોક્ટરોનો પણ સમાવેશ થાય છે. એટલું જ નહીં, સ્પેલિંગ બી ચેમ્પિયનશિપમાં પણ ભારતીય બાળકોએ નામના મેળવી છે. આજે અમેરિકામાં કરોડો લોકો યોગ કરે છે, પરંતુ અમે ક્યારેય યોગના ઈન્ટલેકચ્યુઅલ પ્રોપર્ટી રાઈટ્સની માગણી કરી નથી. આ ટિપ્પણી સાથે જ યુએસ કોંગ્રેસમાં હાસ્યનું મોજું ફરી વળ્યું હતું. અનેક અમેરિકી સેનેટરોએ સંસદમાંથી જ મોદીના ભાષણની ટ્વિટ કરીને માહિતી આપી હતી.
ભારતની ૧૨૫ કરોડની જનતાનું સન્માન
છેલ્લે મોદીએ સંસદને સંબોધનનું આપવાનું આમંત્રણ આપવા બદલ યુએસ કોંગ્રેસનો આભાર માનતા કહ્યું હતું કે, હું ખૂબ જ કૃતજ્ઞતાની લાગણી અનુભવું છું. વિશ્વની સૌથી જૂની લોકશાહીના પ્રતિનિધિ તરીકે અહીં સંબોધન કરવું એ મારા માટે ગૌરવપૂર્ણ ક્ષણ છે. આ ભવ્ય સંસદ કેપિટલના દ્વાર ખોલવા બદલ સ્પીકરનો આભાર માનતા કહ્યું કે અમેરિકાના લોકતંત્રના આ મંદિરે વિશ્વભરના લોકતંત્રને પ્રોત્સાહન આપ્યું છે અને તેને મજબૂત બનાવ્યા છે. મોદીએ કહ્યું કે તેમને સંબોધનનું આ માન આપીને સંસદે ભારત અને તેની ૧૨૫ કરોડની જનતાનું સન્માન કર્યું છે.
વડા પ્રધાન મોદીએ અબ્રાહમ લિંકન અને માર્ટિન લુથર કિંગ જૂનિયરને યાદ કર્યા હતા અને ગાંધીજી, ડો. બાબાસાહેબ આંબેડકર તથા સ્વામી વિવેકાનંદને પણ યાદ કર્યા હતા. વડા પ્રધાને કહ્યું કે બંધારણ અમારું વાસ્તવિક પવિત્ર પુસ્તક છે, જેમાં ધાર્મિક સ્વતંત્રતા, વાણી સ્વાતંત્રતા અને તમામ નાગરિકોને સમાનતાનો મૂળભૂત અધિકાર છે.
સાંસદોની ‘સ્પિરિટ’ની વાત કરતાં હાસ્યની લહેર
યુએસ કોંગ્રેસને સંબોધન દરમિયાન વડા પ્રધાન મોદીએ સંસદમાં થતી ધમાલ અને વિરોધના સૂરનો ઉલ્લેખ કર્યો ત્યારે સંસદમાં હાસ્યની લહેર છવાઈ ગઈ હતી. મોદીએ આ સંદર્ભમાં કહ્યું હતું કે ‘મને કહેવાયું છે કે અમેરિકન સંસદમાં શાંતિપૂર્વક કામગીરી થાય છે. અમેરિકન સંસદ તેની દ્વિપક્ષીય પ્રણાલી માટે જાણીતી છે. મેં પણ ભારતીય સંસદમાં આ ‘સ્પિરિટ’ જોઈ છે, ખાસ કરીને ઉપલા ગૃહ(રાજ્યસભા)માં.’ આ સાંભળતા જ અમેરિકન સંસદમાં હાસ્યનું મોજું ફરી વળ્યું હતું.
મોદી પાંચમા ભારતીય વડા પ્રધાન
વડા પ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકન સંસદમાં ભાષણ આપનારા પાંચમા વડા પ્રધાન બન્યા છે. આ પહેલાં વર્ષ ૧૯૮૫માં પૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીએ યુએસ કોંગ્રેસને સંબોધન કર્યું હતું. એ પછી વર્ષ ૧૯૯૪માં પી. વી. નરસિંહ રાવને પણ અમેરિકન સંસદમાં બોલવાની તક મળી હતી. વર્ષ ૨૦૦૦માં અટલ બિહારી વાજપેયી અને વર્ષ ૨૦૦૫માં મનમોહન સિંહે અમેરિકન સંસદમાં પ્રવચન આપ્યું હતું.
વડા પ્રધાન મોદીના સંબોધનના મુખ્ય મુદ્દા
• પ્રેસિડેન્ટ ઓબામાએ ભારત-અમેરિકાના સંબંધોને ૨૧મી સદીની નિર્ણાયક ભાગીદારી કહી છે. આજે આપણા સંબંધો ઇતિહાસથી આગળ નીકળી ગયા છે.
• ક્લાઇમેટ ચેન્જની વાત કરતા મોદીએ કહ્યું કે, ધરતી સાથે સુમેળ સાધીને રહેવું એ ભારતની પ્રાચીન પરંપરા છે.
• આતંકવાદ સૌથી મોટો પડકાર છે. આતંકવાદ વિશ્વભરમાં જુદા-જુદા નામે અસ્તિત્વ ધરાવે છે, પરંતુ તેઓમાં ત્રણ વાત સમાન છેઃ નફરત, હત્યા અને હિંસા.
• વિશ્વભરમાં જેનો ઓછાયો ફેલાઈ ગયો છે તે ત્રાસવાદનો ઉછેર ભારતની પાડોશમાં થઈ રહ્યો છે.
• રાજકીય ફાયદા માટે ત્રાસવાદનો આશરો લેનારાઓને સ્પષ્ટ સંદેશો આપવા બદલ અમેરિકન કોંગ્રેસના સાંસદોને હું અભિનંદન આપું છું.
• ૨૦૦૮માં મુંબઈ પર આતંકવાદી હુમલો થયો ત્યારે અમેરિકન સંસદે જે સાથ આપ્યો હતો તેને ભારત ક્યારેય ભૂલી નહીં શકે.
• ભારત કાર્બન પ્રિન્ટ ઘટાડવામાં સફળ થશે એવી મને આશા છે. મને રિન્યુએબલ એનર્જીમાં વિશ્વાસ છે.
• ભારતીયોનું રાજકીય સશક્તિકરણ થયું છે. હવે વર્ષ ૨૦૨૨ સુધી હું આર્થિક સશક્તિકરણ પણ કરવા માંગુ છું, જે ભારતનું ૭૫મુ સ્વતંત્રતા વર્ષ છે.
• અમેરિકન જિનિયસ નોર્મન બોર્લોગની મદદથી જ ભારતમાં હરિયાળી ક્રાંતિ થઈ હતી અને લોકોને અન્ન સુરક્ષા મળી હતી.
• ભારત દેશ નવોસવો આઝાદ થયો ત્યારે અનેક લોકોને શંકા હતી, પરંતુ અમે લોકશાહીમાં વિશ્વાસ ટકાવી રાખ્યો.
• લોકશાહીમાં વિશ્વાસ જ ભારતને અમેરિકા સાથે જોડે છે. અમારા બંધારણમાં તમામને સમાન અધિકાર છે.
• બાબાસાહેબ આંબેડકરે કોલમ્બિયા યુનિવર્સિટીમાં ઘણાં વર્ષો વીતાવ્યા હતા. આ દરમિયાન તેમણે અમેરિકન બંધારણનો ઊંડો અભ્યાસ કર્યો હતો.
• શિકાગોમાં સ્વામી વિવેકાનંદે પણ માનવતાવાદ પર ભાષણ આપ્યું હતું.
• માર્ટિન લ્યુથર કિંગને અહિંસાના માર્ગે લડતની પ્રેરણા ગાંધીજીએ આપી હતી.
• અટલ બિહારી વાજપેયીએ પણ કહ્યું હતું કે, અમેરિકા અને ભારત કુદરતી રીતે જ મિત્રો છે.
• ભારત અને અમેરિકાએ વિજ્ઞાન અને ટેક્નોલોજીમાં ઘણાં કરાર કર્યા છે. આ કરારો શૂન્યમાંથી દસ મિલિયન ડોલરે પહોંચી ગયા છે.