અમદાવાદઃ રાજસ્થાનના એવા ભારતવંશી યુવાન આનંદ પ્રકાશની મહેનત અને સંઘર્ષની કહાની ભલભલા લોકોને વિચારતા કરી દે તેવી છે. આઈઆઈટીમાં એડમિશન મેળવવામાં નિષ્ફળ ગયેલો આનંદ વિશ્વનો ટોચનો વ્હાઈટ હેકર બન્યો છે. જેણે સાબિત કરી બતાવ્યું છે કે, નિષ્ફળતા અંતિમ પડાવ નથી. તાજેતરમાં જ આનંદની સ્ટાર્ટઅપ કંપની પિંગસેફને અમેરિકન શેરબજારની લિસ્ટેડ કંપની સેન્ટિનેલવે 10 કરોડ ડોલર એટલે કે લગભગ રૂ. 800 કરોડમાં ખરીદી છે. આ સોદો થયાના બે વર્ષ પહેલા જ આનંદે નિશાંત મિત્તલ સાથે મળીને આ કંપનીનો પાયો નાંખ્યો હતો.
આનંદને ‘હેકર્સના દ્રોણાચાર્ય’ તરીકે ઓળખવામાં આવે છે. તે મોટા મોટા સાયબર એટેકને નિષ્ફળ બનાવતો હોવાથી સાયબર હુમલાખોરો માટે માથાના દુઃખાવા સમાન બન્યો છે. આનંદ પ્રકાશની ગણતરી વિશ્વના ટોચના વ્હાઈટ હેકરોમાં થાય છે. પોતાના ક્ષેત્રની આ કુશળ વ્યક્તિએ ઉબેર, મેટા અને ટ્વિટર જેવી દિગ્ગજ કંપનીઓમાં રહેલી સુરક્ષા ખામીને શોધી કાઢી છે. એટલું જ નહીં, આનંદે વર્ષ 2017માં ‘ફોર્બ્સ’ની અંડર-30ની યાદીમાં પણ સ્થાન મેળવ્યું હતું.
વ્હાઈટ હેકર એવી વ્યક્તિને કહેવામાં આવે છે જે પોતાની કુશળતાનો ઉપયોગ કરીને સાયબર સુરક્ષામાં ખામીઓ શોધી કાઢી તેને હેકર્સથી સુરક્ષિત કરે છે. આનંદ પ્રકાશે વિશ્વની ટોચની ગણાતી દિગ્ગજ કંપનીઓને પોતાની સેવા આપી છે. હેકરોની દુનિયામાં એવા અનેક હેકરો છે જેઓ આનંદને પોતાના ગુરૂ માને છે.
રાજસ્થાનમાં જન્મ
આનંદ પ્રકાશના વ્યકિતગત જીવનની વાત કરવામાં આવે તો તેમનો જન્મ વર્ષ 1990માં રાજસ્થાનમાં થયો હતો. તેમણે આઈઆઈટીમાં એડમિશન માટે ઘણી મહેનત કરી હતી. પણ તેઓ તેમાં સફળ થઈ શકયા ન હતા. ત્યારબાદ તેમણે વેલ્લોર ઈન્સ્ટીયુટ ઓફ ટેકનોલોજીમાંથી કોમ્પ્યુટર સાયન્સમાં એન્જિનિયરિંગની પદવી મેળવી હતી. તેઓ પોતાના પરિવારમાં પ્રથમ એન્જિનિયરિંગ સ્નાતક છે.
સૌથી નવાઈની વાત એ છે કે, હેકરોના પરસેવા છોડાવતા આનંદ પાસે આઈઆઈટી-જેઈઈની તૈયારી માટે કોમ્પ્યુટર પણ ન હતું. તેઓ ઈન્ટરનેટ પર સર્કિંગ માટે પેઈડ સેવાનો ઉપયોગ કરતા હતા. આનંદે ગૂગલ પર 10 સ્ટોપનું હેકિંગ ટ્યૂટોરિયલ જોયું અને તેમને આ ક્ષેત્રે સફળતા મળી ગઈ. તે દિવસથી આનંદને હેકિંગમાં જોરદાર રસ જાગ્યો. વર્ષ 2020માં આનંદ પ્રકાશને ભારત સરકારે રાષ્ટ્રીય યુવા પુરસ્કારથી સન્માનિત કર્યા હતા.