પશ્ચિમ જગતમાં ‘એકલા ચાલો રે’ની એકલ અથવા અલગતાવાદી માનસિકતા ગતિ પકડી રહી છે ત્યારે ઉદાર લોકશાહી તરીકે ભારત ‘સૌનો સાથ, સૌનો વિકાસ’ના મંત્ર સાથે આગળ વધવા તૈયાર છે, જે વધુ સારી વિશ્વ વ્યવસ્થા માટે નમૂનારુપ બની શકે છે. નવી વિશ્વ વ્યવસ્થાને ઘડનારું ગતિશાસ્ત્ર નવું નથી. ઈતિહાસના કોઈ પણ સમયખંડની માફક વિશ્વ અત્યારે પ્રતિભા, ઈન્વેસ્ટમેન્ટ્સ, મૂડી અને સંસ્કૃતિઓના સેતુની રચના કરવા માટે ઈરાદાબદ્ધ લોકો તથા વ્યાપક સહકાર, સહભાગી મૂલ્યો તેમજ સાંસ્કૃતિક, વંશીય, ભાષાકીય અને ધાર્મિક વૈવિધ્યો માટે પારસ્પરિક ઉજવણી કરવાના માર્ગોને પસંદ કરતા લોકો વચ્ચે વિભાજિત છે.
અતિ વિશાળ પ્રમાણમાં બદલાયેલી ભૂમિકામાં અત્યાર સુધી ઉદારીકરણના મશાલચી બની રહેલા યુનાઈટેડ સ્ટેટ્સ દ્વારા વૈશ્વિક વેપારના ૪૦ ટકાનો સંયુક્ત હિસ્સો ધરાવતા દેશો વચ્ચે વેપારી ધોરણોને હળવાં બનાવવાની ખાતરી આપતા ટ્રાન્સ-પાસિફિક પાર્ટનરશિપ (TPP) એગ્રીમેન્ટના ચીંથરાં ઉડાવી દેવાયા છે. બીજી તરફ, નવા યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ મેક્સિકો દેશમાંથી યુએસમાં કથિત પરદેશીઓના પ્રવાહને અટકાવવા તે દેશની સરહદે દિવાલ ચણાવી દેવાના વિચિત્ર ચૂંટણી વચનને પાળવાની ધમકી આપી રહ્યા છે.
એટલાન્ટિક મહાસાગરની પાર બ્રિટિશ વડા પ્રધાન થેરેસા મે પણ બ્રેક્ઝિટ જનમત પછી ક્વીનના ફર્સ્ટ મિનિસ્ટરપદે બઢતી મળ્યાં પછી નબળો વ્યવહાર કરી રહ્યાં છે. દેશના હોમ સેક્રેટરી તરીકે તેમણે જે હાર્ડ લાઈન અપનાવી હતી તેને જ તેઓ વડા પ્રધાન તરીકે આગળ વધારી રહ્યાં છે. જેના પરિણામે, વિદેશી વિદ્યાર્થીઓ અને પ્રોફેશનલ્સ માટે યુકેમાં ઉચ્ચતમ અભ્યાસ તેમજ શિક્ષણ પછીની કારકિર્દીઓ આગળ વધારવાનું અગાઉની સરખામણીએ ભારે મુશ્કેલ બન્યું છે.
આ બન્ને (યુએસ અને યુકે)ના કિસ્સામાં સામાન્ય ‘દુશ્મન’ વિદેશી જ છે. માત્ર મત મેળવવાની ગણતરી રાખતા અને પોતાના તેમજ સમગ્ર વિશ્વના સમાજો-સમુદાયોને લાંબા ગાળાનું નુકસાન થઈ રહ્યું છે તેને સંપૂર્ણતઃ નજરઅંદાજ કરી રહેલા સ્વાર્થી રાજકારણીઓ દ્વારા ખતરનાક અને નકામા વર્ણનો અનુસાર આ વિદેશીઓ જ દેશના વતનીઓ અને ભૂમિના અન્ય પુત્ર-પુત્રીઓના હાથમાંથી નોકરીઓ અને સામાજિક સુરક્ષાના લાભો છિનવી રહ્યા છે. આ રોગચાળો જોખમીપણે પ્રસરી રહ્યો છે અને ફ્રાન્સ, નેધરલેન્ડ્સ અને ઈટાલી જેવા દેશો પણ ટુંક સમયમાં અલગતાવાદી ચોકામાં જોડાઈ શકે છે.
સદ્ભાગ્યે, પશ્ચિમની કેટલીક ઉદાર લોકશાહીઓ વિશ્વ સાથે તેમના રાષ્ટ્રો અને સમાજોને સાંકળતા સેતુઓ ઉભા કરી રહી છે ત્યારે પણ અન્ય ઘણા સમાજ-સમુદાયો મક્કમતા સાથે તદ્દન વિરુદ્ધ દિશામાં આગળ વધી રહ્યાં છે.
વિશ્વ સાથે ભારતને એકીકૃત કરવામાં વિશાળ પ્રમાણમાં રાજકીય મૂડીનું રોકાણ કરનારા વિચારશીલ ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમની દીર્ઘદૃષ્ટિનું સંપૂર્ણ દર્શન કરાવી રહ્યા છે. આની પુનરાવૃત્તિનું તાજુ ઉદાહરણ તાજેતરમાં જ અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ નામદાર મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન સાથે મળી તેમણે લખેલા સંયુક્ત ઓપ-એડ લેખમાં જોવા મળે છે. અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ ભારતના ૬૮મા પ્રજાસત્તાક દિન પ્રસંગે ભારતના મહેમાન બન્યા હતા.
આ લેખમાં બન્ને નેતાઓ લખે છેઃ ‘રાષ્ટ્રો તરીકે, યુએઈ અને ભારત ધાર્મિક સહિષ્ણુતા તેમજ આસ્થા, વંશીયતા અથવા ભાષાને સંબંધિત ભિન્નતાઓ તરફ સન્માન ધરાવતા ખુલ્લાં, બહુસાંસ્કૃતિક સમાજોનું નિર્માણ કરવાના મહત્ત્વના આપણા સહભાગી મૂલ્યો માટે પરસ્પર સન્માન ધરાવતા થયા છે.’
આ સિદ્ધાંતોનો પુનરુચ્ચાર વિશેષ મહત્ત્વનો છે. ખાસ તો, આવા સમયમાં જ્યારે વિશ્વમાં ઉદાર મૂલ્યોના અગ્રણી હિમાયતીઓ વિશ્વની બાબતોમાં તેમને વર્તમાન પ્રતિષ્ઠાજનક સ્થાન અપાવવામાં આટલું સબળ પ્રદાન કરનારા વિશ્વાસ અને સિદ્ધાંતોથી પીઠ ફેરવી રહ્યાનું જણાય છે.
આજે વિશ્વ ભારે ચિંતામાં છે. અલગતાવાદી યુએસ અને ઈમિગ્રન્ટ્સ પ્રત્યે દુશ્મનાવટમાં રાચતું યુરોપ સતત વિભાજિત થઈ રહેલાં વિશ્વમાં નિશ્ચિતપણે નેતૃત્વનો શૂન્યાવકાશ સર્જશે. નવા ઉભરતા વૈશ્વિક પાવરહાઉસ માટે કદાચ પુનરુત્થાનની મથામણ કરી રહેલી પૂર્વ મહાસત્તાની મદદ સાથે યુએસના હાથમાં રહેલી મજબૂત સત્તાને પુનરાવર્તિત કરવી શક્ય બને તો પણ, યુદ્ધકાળ પછીની લોકશાહી વ્યવસ્થાના નેતાએ વિશાળ લશ્કરી બળ અને નૈતિક સત્તાના સંયોજન સાથે વૈશ્વિક બાબતો પર છાપ-દાબ જમાવી હતી તેની તોલે અન્ય કોઈ પણ દેશ અથવા દેશોનું ગઠબંધન આવી શકે તેમ નથી.
અહીં જ ભારતની અનેક સદીઓ પુરાણી સમન્વયાત્મક પરંપરાને અનુસરી રહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો પ્રવેશ થાય છે, જેઓ તેમના રાજકીય પ્રતિસ્પર્ધીઓ, પૂર્વગ્રહિત સિવિલ સોસાયટી જૂથો અને આસાનીથી વશ થઈ જનારા વેસ્ટર્ન મીડિયા થકી ચિતરાયેલી જમણેરી હિન્દુ રાષ્ટ્રવાદીની છબીને મિથ્યા સાબિત કરી એકલ હાથે હળ ખેડી રહ્યા છે. તેઓ ઉભરી રહેલા બહુધ્રુવીય વિશ્વમાં ભારતને એક ધ્રુવસ્થંભ તરીકે સ્થાપિત કરી શકે છે.
એ વાત પણ સ્વીકારવી પડશે કે આ લક્ષ્ય હાંસલ કરવાથી આપણે હજુ થોડા દૂર છીએ. પરંતુ આવનારા સમયમાં ભારત દરેક સાથે બિઝનેસ કરવા તૈયાર અને દરેકને આવકારવા એક મુક્ત, ઉદાર લોકશાહીનો આદર્શ વિશ્વને ભેટ ધરશે. પશ્ચિમના માર્ગભૂલેલા અલગતાવાદીઓને તેમના માર્ગની ભૂલ સમજાય અને ડહાપણના માર્ગે પરત ફરે ત્યાં સુધી તો ભારતના સાંસ્કૃતિક મૂળિયાં સાથે તે સુસંગત બની રહેશે અને ભારતીયો જ્યોતને અવશ્ય પ્રજ્વલિત રાખી શકે છે.
(મનોજ લાડવા India Inc.ના સ્થાપક અને MLS Chase Group ના ચીફ એક્ઝિક્યુટિવ છે.)