વોશિંગ્ટન: ન્યૂ યોર્કમાં ફ્રેન્કલિન ડી. રુઝવેલ્ટની લાઇબ્રેરીમાંથી મળી આવેલો ભૌતિક વિજ્ઞાની આલ્બર્ટ આઈન્સ્ટાઈનના હસ્તાક્ષરવાળા એક પત્રનું 39 લાખ ડોલર (આશરે રૂ. 32.7 કરોડ)માં ઓક્શન થયું છે. આઈન્સ્ટાઈને અણુશસ્ત્રના વિકાસ સંબંધે ચેતવણી આપતો આ પત્ર 1939માં અમેરિકાના તત્કાલીન રાષ્ટ્રપતિ ફ્રેન્કલિન રુઝવેલ્ટને મોકલ્યો હતો. આઈન્સ્ટાઈને રુઝવેલ્ટને ચેતવતાં પત્રમાં લખ્યું હતું કે, જર્મની અણુશસ્ત્રો વિકસાવી રહ્યું છે. તાજેતરમાં પરમાણુ ભૌતિકીમાં જે કામ કરાયું છે તેનાથી સંભાવના છે કે યૂરેનિયમને એક નવા અને મહત્ત્વપૂર્ણ ઊર્જા સ્રોતમાં ફેરવી શકાય છે. આ ઊર્જાનો અતિશય શક્તિશાળી વિસ્ફોટક બનાવવામાં ઉપયોગ કરી શકાય છે.
આ જ પત્રમાં આઈન્સ્ટાઈને અમેરિકન સરકારને પણ પરમાણુ ફ્યૂઝન બાબતે રિસર્ચ કરવા અને પરમાણુ બોમ્બ બનાવવા સલાહ આપી હતી. આઈન્સ્ટાઈનના પત્રની લિલામી કરનારી કંપની ક્રિસ્ટીઝ સાથે સંકળાયેલા એક વરિષ્ઠ નિષ્ણાત પીટર ક્લારનેટે આ પત્રને દુનિયાના ઇતિહાસના સૌથી પ્રભાવશાળી પત્રોમાંનો એક ગણાવ્યો. જર્મનીએ સમર્પણ કર્યા બાદ આઈન્સ્ટાઈનને એવો અહેસાસ થયો હતો કે પરમાણુ હથિયારોનો ઉપયોગ યોગ્ય નથી.
• પત્રની લાંબી સફર : 1939ના ઉનાળામાં લખાયેલો આ પત્ર 2002માં માઇક્રોસોફટના સહ- સંસ્થાપક પોલ એલને 21 લાખ ડોલરમાં એક કલેક્શનમાંથી ખરીધો હતો. તેની પહેલાં આ પત્ર માલ્કમ ફોર્બ્સની પાસે હતો. ફોર્બ્સે આ પત્ર હંગેરીના ભૌતિક વિજ્ઞાની લિયો જિલાર્ડ પાસેથી ખરીદ્યો હતો. મીડિયા રિપોર્ટ અનુસાર, જિલાર્ડે જ આ પત્ર લખ્યો હતો અને તેના પર આલ્બર્ટ આઇન્સ્ટાઇને સહી કરી હતી.