નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકામાં ટેક્નોલોજી ક્ષેત્રની ટોચની કંપનીઓના સીઈઓ સાથે સંમેલનમાં ભાગ લીધો હતો. મોદીએ ભારતમાં વિકાસની સંભાવનાઓ પર ભાર મૂક્યો હતો, સાથે સાથે જ વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગ વધારવા માટેની પહેલની ચર્ચા કરી હતી. મોદીના અમેરિકા પ્રવાસના બીજા દિવસે આ બેઠક રવિવારે ન્યૂ યોર્કમાં પેલેસ હોટેલ ખાતે યોજાઈ હતી. જેમાં એઆઈ, ક્વોન્ટમ કમ્પ્યુટિંગ અને સેમિકન્ડક્ટર જેવી ટેક્નોલોજી પર કામ કરતી અમેરિકાની ટોચની 15 કંપનીઓના સીઈઓએ ભાગ લીધો હતો.
મોદીએ બાદમાં સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યું હતું કે ન્યૂ યોર્કમાં ટેક્નોલોજી ક્ષેત્રની કંપનીઓના સીઈઓ સાથે સંમેલનમાં ભાગ લીધો હતો. ટેક્નોલોજી, નવીનતા અને અન્ય વિષયો સાથે સંકળાયેલાં પાસાંઓ પર ચર્ચા કરાઈ હતી. ભારત પ્રત્યે આશાવાદી દૃષ્ટિકોણથી મને ખુશી થઈ. ભારતના આર્થિક અને ટેક્નોલોજિકલ વિકાસમાંથી તેઓ તકોનો લાભ લઈ શકે છે.
વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે તેમના ત્રીજા કાર્યકાળમાં ભારતને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવા માટે સંભવ તમામ પ્રયાસો કરાશે.
ભારતને સેમિકન્ડક્ટરનું હબ બનાવવા પ્રતિબદ્વ
મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી સ્કૂલ ઓફ એન્જિનિયરિંગ દ્વારા આયોજિત સંમેલનમાં ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ, અડોબીના સીઈઓ શાંતનુ નારાયણ, એક્સેન્જરના સીઈઓ જૂલી સ્વીટ અને એન્વીડીયાના સીઈઓ જેન્સેન હુઆંગ, એએમડીના સીઈઓ લિઝા સુ, એચપી ઈન્કના સીઈઓ એનરિક લોરેસ, આઈબીએમના સીઈઓ અરવિંદ કૃષ્ણા, મોડર્ના ચેરમેન ડો. નૌબર અફયાન સામેલ થયા હતા. મોદીએ કહ્યું કે સરકાર ભારતને સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગનું હબ બનવા માટે પ્રતિબદ્ધ છે.
ગૂગલ ભારતમાં એઆઈ ક્ષેત્રે વધુ તકો શોધશેઃ સુંદર પિચાઈ
ગૂગલના ભારતવંશી વડા સુંદર પિચાઈએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની બેઠક ઘણી સફળ રહી. મોદી ડિજિટલ ઈન્ડિયા વિઝન સાથે ભારતને સંપૂર્ણ રીતે બદલવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. પિચાઈએ કહ્યું કે મોદી સતત મેક ઈન ઈન્ડિયા, ડિઝાઈન ઈન ઈન્ડિયા પર ભાર આપી રહ્યા છે. પીએમ તે વાતને લઈ વિચાર કરી રહ્યા છે કે કેવી રીતે એઆઈ ભારતને બદલવામાં મદદરૂપ સાબિત થશે, જેથી ભારતના લોકોને તેનો ફાયદો મળી શકે.
ભારતની ક્ષણ છે, તકનો લાભ ઉઠાવોઃ એન્વીડિયાના સીઈઓ
એન્વીડિયાના સીઈઓ જેન્સન હુઆંગે એઆઈ જેવી ઉભરતી ટેક્નોલોજી વિશે વધુ માહિતી બદલ મોદીની પ્રશંસા કરી. હુઆંગે કહ્યું કે મેં મોદી સાથે ઘણી મુલાકાતોનો આનંદ માણ્યો છે. તેઓ અકલ્પનીય છે. જ્યારે પણ હું તેમને મળું છું ત્યારે તેઓ માત્ર ભારત માટેની તકો વિશે જાણવા માગતા હોય છે. આ ભારતની ક્ષણ છે. તમારે તકનો લાભ ઉઠાવવો પડશે.
અમેરિકાનું બેવડું વલણ
વડાપ્રધાન મોદીના અમેરિકા પ્રવાસ પહેલાં વ્હાઈટ હાઉસના અધિકારીઓએ શીખ એક્ટિવિસ્ટ સાથે મિટિંગ યોજી હતી જેમાં શીખ ગ્રૂપને એવું આશ્વાસન અપાયું હતું કે અમેરિકાની સરકાર તેની ધરતી પર કોઈપણ આંતરરાષ્ટ્રીય આક્રમણ અને હુમલા સામે અમેરિકન નાગરિકોનું રક્ષણ કરવા પ્રતિબદ્ધ છે. આ બેઠકમાં અમેરિકન શીખ કોકસ સમિતિના પ્રિતપાલસિંહ તેમજ શીખ ગઠબંધન અને શીખ અમેરિકા કાનૂની રક્ષા અને શિક્ષા કોષના સભ્યોએ ભાગ લીધો હતો. પ્રિતપાલસિંહે કહ્યું હતું કે શીખ અમેરિકનોનો જીવ બચાવવા અને અમારા સમુદાયની સુરક્ષા માટે સતર્કતા દાખવવા માટે અમે અમેરિકા સરકારનો આભાર માનીએ છીએ. આ બેઠકમાં પન્નૂની હત્યાના ષડયંત્રનો મામલો પણ ચર્યાયો હોવાનું મનાય છે. બેઠકમાં વધુ શું ચર્ચા થઈ તે અંગે કોઈ માહિતી અપાઈ ન હતી.