નવી દિલ્હીઃ અમેરિકાની ‘બાય અમેરિકન, હાયર અમેરિકન’ની નીતિ મુજબ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રએ એવા એક પ્રસ્તાવ પર વિચારણા શરૂ કરી છે કે જેનાથી આશરે ૫૦ હજારથી ૭૫ હજાર ભારતીયોને અમેરિકા છોડવું પડી શકે છે. ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યા પછી ભારતીયો માટે જે ખતરાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી તે એક ભયાનક સ્વપ્ન બનીને અત્યારે પણ લોકોને પરેશાન કરી રહી છે. અમેરિકામાં એચ-૧બી વિઝાધારકોની સૌથી વધુ સંખ્યા ભારતીયોની છે.
અમેરિકામાં વસતા ગુજરાતી સમાજના પ્રમુખ ડો. વાસુદેવ પટેલે જણાવ્યું કે અમેરિકામાં હાલમાં ૧૧ લાખ ગુજરાતીઓ વસે છે.
૩ વર્ષના એચ-૧બી
એચ-૧બી વિઝા ત્રણ વર્ષ માટે જારી કરાય છે. તેને વધુ ૩ વર્ષ માટે લંબાવી શકાય છે અને ત્યાર પછી આ વિઝા ધારકોને પોતાના દેશમાં પાછા જવું પડે છે. આ વિઝા ધારકોમાં જે લોકોની ગ્રીન કાર્ડ માટેની અરજી મંજૂર થઇ જાય છે તેમને અમેરિકામાં એક્સટેન્શન પર રહેવાની મંજૂરી મળી જાય છે.
૮૫,૦૦૦ એચ-૧બી વિઝા
અમેરિકા દર વર્ષે ૮૫,૦૦૦ નોન-ઇમિગ્રન્ટ એચ વન - બી વિઝા જારી કરે છે, જેમાં ૬૫,૦૦૦ વિઝા હાયરિંગ માટે હોય છે અને ૨૦,૦૦૦ વિઝા અમેરિકી સ્કૂલ-કોલેજોમાં હાયર ડીગ્રી કોર્સિસમાં એનરોલ માટે છે. ૭૦ ટકા વિઝા ભારતીયોને હાથ લાગે છે. તેમાં આઈટી કંપનીઓ નિયુક્ત કરે છે.