વોશિંગ્ટનઃ અમેરિકન સ્ટેટ ડિપાર્ટમેન્ટે ભારતને ઘાતક MK54 ટોર્પિડો આપવાને લીલી ઝંડી આપી છે. આ સાથે જ સંબંધિત નોટિફિકેશન અમેરિકન કોંગ્રેસને પણ મોકલી આપવામાં આવ્યું છે. 53 ટોર્પિડોની 175 મિલિયન ડોલરની આ ડીલ જો ફાઈનલ થશે તો ભારતીય નેવીની શક્તિ અનેકગણી વધી જશે. આ ટોર્પિડો શત્રુઓની સબમરીનને સમુદ્રની અંદર જ ડુબાડી શકે છે અને તેની સમુદ્રના પેટાળમાં જ કબર બનાવી શકે છે.
ભારતે અમેરિકા પાસે આ ઘાતક ટોર્પિડોની માગ કરી હતી જે બાદ અમેરિકાએ આ પગલું ભર્યું છે. લગભગ 1450 કરોડ રૂપિયાની આ ડીલમાં રિકવરેબલ એક્સરસાઈઝ ટોર્પિડો, એર લોન્ચ એક્સેસરીઝ, સ્પેર પાર્ટ્સ, ટોર્પિડો કન્ટેઈનર્સ, સપોર્ટ ટૂલ્સ અને ટ્રેનિંગનો સમાવેશ થાય છે. ભારતે થોડા મહિનાઓ પહેલા જ નેવી માટે MH-60R રોમિયો સી-હોક હેલિકોપ્ટર ખરીદ્યા છે. આ હેલિકોપ્ટર ખાસ કરીને સબમરીનવિરોધી અભિયાનો માટે જાણીતા છે. સંરક્ષણ નિષ્ણાતોનું કહેવું છે કે આ અમેરિકી ટોર્પિડો નેવીમાં સામેલ થવાની સાથે જ ચીન અને પાકિસ્તાનની સબમરીન ભારતની આસપાસ ફરકવાની પણ હિંમત નહીં કરી શકે.