ન્યૂ યોર્કઃ વિખ્યાત નાણાકીય સંસ્થાન ગોલ્ડમેન સાક્સના ભૂતપૂર્વ ડિરેક્ટર અને અમેરિકા સ્થિત ભારતવંશી બિઝનેસમેન રજત ગુપ્તા હાલ ઇનસાઇડર ટ્રેડિંગ કેસમાં બે વર્ષ કેદની સજા ભોગવી રહ્યા છે. એક સમયે આર્થિક ક્ષેત્રે જેમના નામના સિક્કા પડતા હતા તેવા રજત ગુપ્તાના જેલજીવનની વાતો પહેલી વખત બહાર આવી છે. રજત ગુપ્તા સાથે જેલમાં રહી ચૂકેલા અને તાજેતરમાં કેદમુક્ત થયેલા ડેવિડ મોર્ગને ‘ન્યૂ યોર્ક ટાઇમ્સ’ સાથેની વાતચીતમાં રજત ગુપ્તાની વાત કરી છે તેના અંશો...
‘હું જેલમાં રજત ગુપ્તા અને રાજરત્નમ્ (જેને રજતે ગુપ્ત માહિતી પૂરી પાડી હતી) બંનેને મળ્યો હતો. બંને એક જ ગુનામાં સજા કાપી રહ્યા છે, પરંતુ હાલમાં તેમની દોસ્તી તૂટી ગઇ છે. એક સમયે વોલસ્ટ્રીટમાં હાઇપ્રોફાઇલ નામ ગણાતા રજત ગુપ્તાને બધાં કામ કરવા પડે છે. સવારે સાડા પાંચ વાગે તેમને કેફેટેરિયા પહોંચવું પડે છે. તેમને ટેબલ સાફ કરવાનું કામ સોંપાયું હતું.
તે સમયે બાકીના કેદી ગુપ્તાને જાસૂસ સમજતા હતા, પણ હવે તો કેદીઓ પણ તેમને સ્ટોક ટ્રેડિંગ વિશે પૂછપરછ કરે છે. એક કેદીએ તો તેમને પોતાના બિઝનેસમાં રોકાણ કરવા માટે ઓફર આપી હતી. આ વર્ષે એપ્રિલમાં રજતને સજારૂપે વિશેષ હાઉસિંગ યુનિટમાં વિતાવવા પડ્યા. તેમનો ગુનો એટલો જ હતો કે તેમણે વધારાનો તકિયો લઇ લીધો હતો. કોઇ કેદી જ્યારે જેલ બહાર જાય છે તો બીજો કેદી તેનો તકિયો રાખી લેતો હોય છે. પીઠમાં દુ:ખાવો હોવાથી ગુપ્તાએ પણ કંઇક એવું કર્યું તો તેમને સજા મળી. પહેલાં પણ ગુપ્તા એક વાર વિશેષ યુનિટ જઇ ચૂક્યા છે. તે વખતે કેદીઓની ગણતરી વખતે રજત ગુપ્તા બેઠેલા જોવા મળ્યા હતા. હકીકતે ગુપ્તા તેમના જૂતાંની દોરી બાંધી રહ્યા હતા.
મે મહિનામાં અનુશાસન કાર્યવાહી હેઠળ ગુપ્તા સામે કુટુંબીજનોને મળવાની પણ મનાઇ ફરમાવવામાં આવી હતી. તેમને મળવા તેમનાં દાદી ભારતથી ખાસ પહોંચ્યાં હતાં, પરંતુ તેમને પણ ગુપ્તાને મળવા દેવાયાં નહોતાં. ગુપ્તાએ જેલ વહીવટી તંત્રને કહ્યું હતું કે દાદીને મળવા દેવાના બદલામાં તેઓ કેટલાક વધુ દિવસ જેલ ભોગવવા પણ તૈયાર છે, પરંતુ અધિકારીઓએ તેમની વાત નહોતી માની.
ગુપ્તાની જોડિયા પૌત્રીઓ તેમને દર સપ્તાહે મળવા આવતી હતી. કેટલાક દિવસ પહેલાં વિઝિટર્સ આવવાના રસ્તા પર લોખંડના મોટા મોટા સળિયાના દરવાજા લગાવી દેવામાં આવ્યા. ગુપ્તાને લાગ્યું કે પૌત્રીઓ આ બધું જોઇને ડરી જશે. આથી તેમણે પૌત્રીઓને મળવા માટે ન લાવવા કહી દીધું હતું.’