વોશિંગ્ટન: અમેરિકામાં રાષ્ટ્રપતિ ટ્રમ્પે ગેરકાયદે ઇમિગ્રન્ટને કાઢવા માટે મહાઅભિયાન આદર્યુ છે તો આવા ઇમિગ્રન્ટને ટ્રમ્પ શાસનના અધિકારીઓથી બચાવવા માટે પણ દરેક શહેરોમાં ટુકડીઓ બની રહી છે. આવા 60થી વધુ ગ્રૂપ પણ બની ચૂક્યા છે. આ ગ્રૂપ તેમના વિસ્તારમાં રહેતા ઇમિગ્રન્ટને પકડવા ઇમિગ્રેશન અધિકારીઓ આવે તો રીતસરની સાઇરન વગાડે છે કે મેગાફોન વડે તેઓને સાવચેત કરીને ઘરની બહાર ન નીકળવાની ચેતવણી આપે છે.
આવા નાના-નાના ગ્રૂપો મોટા શહેરો જ નહીં નાના શહેરોમાં બની ગયા છે. તેને કમ્યુનિટી સેલ્ફ ડિફેન્સ કોએલિશન નામ અપાયું છે. આ પ્રકારના 60 જેટલા મોટા સંગઠનોની છત્રછાયા હેઠળ ઇમિગ્રેશન અધિકારીઓની કાર્યવાહી નિષ્ફળ બનાવવા બીજા ગ્રૂપો પણ પાંગરી રહ્યા છે.
આ ગ્રૂપનું ધ્યેય એક જ છે અને તે છે ટ્રમ્પના ઇમિગ્રન્ટવિરોધી અભિયાનને નિષ્ફળ બનાવવાનું. આ પ્રકારની વ્યૂહરચનાનો અમલ કોઈ એક જ શહેર લોસ એન્જલ્સ કે વોશિંગ્ટનમાં જ નહીં આખા દેશમાં થવા લાગ્યો છે.
લોસ એન્જલ્સ સબર્બમાં લુપ કારાસ્કો કાર્ડોનાએ તેના લાઇવ ઇન્સ્ટાગ્રામ રિપોર્ટમાં લખ્યું હતું કે ઇમિગ્રેશન અધિકારીઓએ હાલમાં અલ્હામ્બ્રાને લક્ષ્યાંક બનાવ્યું છે. ઇમિગ્રેશનની કાર્યવાહી કરવા આવેલા કમસેકમ છ સરકારી વાહનોને ઓળખી કાઢવામાં આવ્યા છે.
ઇમિગ્રેશન વિભાગના ભૂતપૂર્વ વડા જોન ફેબ્રિકેટોરે જણાવ્યું હતું કે આ પ્રકારની વળતી કાર્યવાહીના લીધે ઇમિગ્રેશનના કામ પર જબરદસ્ત વિપરીત અસર પડી છે. ઇમિગ્રેશન અધિકારીઓ માટે કામ કરવું કપરું થઈ પડયું છે. ઇમિગ્રેશન અધિકારીઓના જીવ પણ જોખમમાં મૂકાયા છે, કારણ કે તેઓને ખબર નથી કે તેઓ જેમને ત્યાં જાય છે તેનો ઇતિહાસ કેવો છે.
ઘૂસણખોરી 70 ટકા ઘટી
ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારથી અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા છે ત્યારથી ગેરકાયદે અમેરિકામાં ઘૂસણખોરી કરવાનું પ્રમાણ પણ ઘટી ગયું છે. ટ્રમ્પે દાવો કર્યો છે કે ફેબ્રુઆરી મહિનામાં મેક્સિકો સરહદેથી ઘૂસણખોરીનું પ્રમાણ ઐતિહાસિક રીતે નીચું રહ્યું છે જ્યારે બીજી તરફ મારા બીજા કાર્યકાળનો પ્રથમ મહિનો પણ પુરો થયો છે. ટ્રમ્પના દાવા મુજબ તેણે સત્તા સંભાળી તેના એક જ મહિનામાં ઘૂસણખોરી ઘટી ગઇ છે. પ્રથમ મહિનામાં ઘૂસણખોરીનું પ્રમાણ 70 ટકા ઘટ્યું છે.