વોશિંગ્ટનઃ અમેરિકાએ જણાવ્યું કે ભારતનો ૭.૫ ટકાનો વિકાસ દર વધારીને દર્શાવાયો હોવાનું હોઈ શકે છે. નરેન્દ્ર મોદી સરકાર આર્થિક સુધારાઓના સંબંધમાં પોતાના વાયદા પૂરા કરવાની દિશામાં ધીમી રહી છે. જોકે, અમેરિકાએ અમલદારશાહી અને FDI નિયંત્રણો હળવા કરવાની દિશામાં મોદી સરકાર દ્વારા ભરવામાં આવેલા પગલાંની પ્રશંસા કરી છે.
અમેરિકી વિદેશ મંત્રાલયના રિપોર્ટમાં કહ્યું કે ઘણા પ્રસ્તાવિત સુધારાઓને સંસદમાં પસાર કરાવવા માટે સંઘર્ષ કરવો પડ્યો છે. સરકાર જીએસટી બિલ પસાર કરાવવા માટે હજી પણ વિપક્ષની મંજૂરીની રાહ જોઇ રહી છે. આ બાબતે વિપક્ષ સાથે સરકારની મંત્રણા ચાલુ છે. રિપોર્ટમાં એવું પણ જણાવાયું છે કે પ્રસ્તાવિત આર્થિક સુધારાઓના સંદર્ભમાં મોદી સરકારની ધીમી ગતિને કારણે સરકારના સમર્થનમાં આગળ આવેલા ઘણા રોકોણો પાછળ હટી રહ્યા છે.