નવી દિલ્હી: ઈરાન સાથે ક્રૂડ ઓઈલની ખરીદીનો સોદો કરનાર ભારતીય કંપની પર અમેરિકા દ્વારા પ્રતિબંધ લદાયો છે. અમેરિકા દ્વારા ભારતીય કંપની સામે પહેલી વાર પ્રતિબંધનું શસ્ત્ર ઉગામાયું છે અને મુંબઈ ખાતેની ભારતીય કંપની તિબાલાજી પેટ્રોકેમ પ્રા.લિ.ને ટાર્ગેટ બનાવાઈ છે. બાઇડેન સરકારે ઈરાન પાસેથી કરોડોની રકમનું પેટ્રોલિયમ તેમજ કેમિકલ પ્રોડક્ટ ખરીદવા માટે સાઉથ એશિયા તેમજ ઈસ્ટ એશિયાની 8 કંપની પર પ્રતિબંધ લગાવ્યો છે. જેમાં મુંબઈ ખાતેની ભારતીય કંપની તિબાલાજી પેટ્રોકેમ પણ સપાટામાં આવી ગઈ છે. ઈરાન સાથે ક્રૂડ ખરીદવા સોદો કરનાર ભારતીય કંપની પર અમેરિકા દ્વારા બેન લગાવાયો હોય તેવી આ પહેલી ઘટના છે.
અમેરિકાના નાણાંમંત્રાલયે કહ્યું હતું કે, યુએસના પ્રતિબંધ છતાં ક્રૂડ ઓઈલ તેમજ પેટ્રો પેદાશો ખરીદવા ઈરાન સાથે સોદો કરનાર ઈરાનનાં દલાલો, હોંગકોંગ, યુએઈ તેમજ ભારતની કંપની સામે પગલાં લેવામાં આવ્યા છે.