નવી દિલ્હીઃ હૈદરાબાદમાં યોજાયેલી ગ્લોબલ એન્ટરપ્રિન્યોરશિપ સમિટમાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનાં પુત્રી ઈવાન્કા અમેરિકાના ડેલિગેશનનું નેતૃત્વ કરવા સાથે હાલ ભારતનાં મહેમાન છે. ઈવાન્કાને તેલંગણાના મુખ્ય પ્રધાન ચંદ્રશેખર રાવે ખાસ તૈયાર કરાયેલી કિંમતી સાડીની ભેટ આપી છે. આ ગોલાભામા સાડીની વિશેષતા તેના પર કરાયેલી ચાંદીની મહીન કારીગરી છે. બે મહિનામાં આ સાડી તૈયાર કરવામાં આવી છે. આ સાડીની કિંમત ૪૦ લાખ રૂપિયા રાવે ઈવાન્કાને ભેટમાં આપેલી આ સાડી કરીમનગર જિલ્લાના કારીગરોએ તૈયાર કરી છે, જેના પર ચાંદીની મહીન સજાવટ કરવામાં આવી છે. તેલંગણામાં ચાંદીની કારીગરીનો ઈતિહાસ લગભગ ૪૦૦ વર્ષ જૂનો છે. આમ તો આ સાડીમાં ખાસ્સો સમય લાગે, પરંતુ બે મહિના પહેલાં જ ઓર્ડર આપવામાં આવ્યો હોવાથી ઈવાન્કાની સાડી તૈયાર કરવામાં ૧૨૦ પરિવારો દિવસ-રાત લાગી ગયા હતા.
ઈવાન્કાને ભારતના આ પ્રવાસ દરમિયાન બીજી અનેક ભેટ મળી છે. તેમને અઢી કિલો ચાંદીની બનેલી ચારમિનારની પ્રતિકૃતિ અને દોઢ કિલો ચાંદીની બનેલી હંસની એક પ્રતિમા પણ ભેટ આપવામાં આવી છે. ટ્રમ્પની પુત્રી માટે ભવ્ય ડિનરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
મોદીએ ગુજરાતી કારીગરીવાળું બોક્સ આપ્યું
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઈવાન્કાને મંગળવારે લાકડાનું એક બોક્સ ભેટમાં આપ્યું હતું, જેના પર ગુજરાતી કારીગરી કરવામાં આવી હતી. સડેલી ક્રાફ્ટ તરીકે તે જાણીતી છે. સુરત અને આસપાસના વિસ્તારોમાં આ ક્રાફ્ટ તૈયાર કરવામાં આવે છે. ઈવાન્કાએ મંગળવારે ગ્લોબલ ઉદ્યોગસાહસિક બેઠકના ઉદઘાટનમાં મોદીની ભારે પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે એક ચાવાળામાંથી વડા પ્રધાનપદ સુધી પહોંચવું એ મોટી સિદ્ધિ છે.