નવી દિલ્હીઃ કોટક મહિન્દ્રા બેન્કના વડા ઉદય કોટક ફાઈનાન્સિયલ વર્લ્ડના ૪૦ સૌથી શક્તિશાળી લોકોના ‘ફોર્બ્સ’ લિસ્ટમાં સ્થાન મેળવનાર એક માત્ર ભારતીય છે. ઉદય કોટકની નેટવર્થ લગભગ ૭.૧ બિલિયન ડોલર છે. ૫૭ વર્ષના કોટકને ‘ફોર્બ્સ’ના ‘મની માસ્ટર્સ - ધ મોસ્ટ પાવરફુલ પીપલ ઇન ધ ફાઈનાન્સિયલ વર્લ્ડ’ યાદીમાં ૩૩મા સ્થાને છે. લિસ્ટમાં ટોચના સ્થાને બ્લેકસ્ટોન ગ્રૂપના સીઈઓ સ્ટીફન શ્વાર્જમૈન છે. તેમની નેટવર્થ ૧૦.૨ બિલિયન ડોલર અને વિદેશમાં ૩૪૪ બિલિયન ડોલરની એસેટ્સ છે.
યુએસથી પ્રકાશિત પ્રતિષ્ઠિત બિઝનેસ મેગેઝિન ‘ફોર્બ્સ’એ કહ્યું કે આ યાદીમાં એવા લોકો સામેલ છે, જેમનો બેન્કિંગથી લઈને બાયઆઉટ અને ટ્રેડિંગથી લઈને ટેકઓવર સુધીમાં દબદબો ધરાવે છે. ‘ફોર્બ્સ’ના મતે ગ્લોબલ ઈકોનોમીમાં અબજો ડોલરના ફ્લો પર કંટ્રોલ કરનાર હેજ ફંડ મેનેજર્સ, પ્રાઈવેટ ઇક્વિટીના અગ્રણી, અને લેન્ડર્સ મોટા ભાગે આપણા બધા પર કોઈને કોઈ રીતે અસર પાડે છે.
કોટક બેન્ક ૩૪.૬ બિલિયન ડોલરની એસેટ્સ મેનેજ કરે છે. ‘ફોર્બ્સ’નું કહેવું છે કે ઉદય કોટકે મુંબઈથી દિલ્હીની વચ્ચે મોટી સંખ્યામાં લોકોને લોન આપી પોતાની સંપત્તિ બનાવી છે. ‘ફોર્બ્સ’એ કહ્યું હતું કે વ્યાજ દર ઘટવાના સંજોગોમાં પણ કોટક બેન્ક સેવિંગ્સ એકાઉન્ટસ પર ૬ ટકા વ્યાજ આપી રહી છે. ઉદય કોટક પોતાના દેશમાં વિકાસની સંભાવનાઓને લઈને ખૂબ જ ઉત્સાહિત છે અને તેમનું કહેવું છે ભારતમાં રોકાણ કરવું એટલે એક બોલિવૂડના મૂવી જેવું જ છે.