ઉદ્યોગપતિ નીરજ શાહ Wayfairને ઘર-ઘરની મુખ્ય બ્રાન્ડ બનાવવા ઉત્સુક

Thursday 05th January 2017 03:09 EST
 
 

ન્યૂ યોર્કઃ Wayfairના ૪૨ વર્ષીય સહસ્થાપક અને સીઈઓ નીરજ શાહ નજીકના ભવિષ્યમાં તેમની કંપનીને ઘર-ઘરની મુખ્ય બ્રાન્ડ બનાવવા ઉત્સુક છે. ભારતીય અમેરિકન ઉદ્યોગપતિ શાહ કંપનીની ચોખ્ખી રેવન્યુ ત્રણ બિલિયન ડોલરથી ઊંચે લઈ જવામાં સફળ નીવડ્યા છે. નીરજ શાહ અને સ્ટીવ કોનીને ૨૦૦૨માં સાથે મળી Wayfairની સ્થાપના કરી હતી. આજે યુએસમાં હોમ ફર્નિશિંગ્સના સૌથી મોટા ઓનલાઈન રીટેઈલર્સમાં તે સ્થાન ધરાવે છે.

નીરજ શાહ અને સ્ટીવ કોનીન ૧૯૯૫માં કોર્નેલ યુનિવર્સિટીમાં ઉદ્યોગ સાહસિકતાવાદના વર્ગ ભર્યા હતા અને તેમાંથી જ મલ્ટિ બિલિયન ડોલરની ઈ-કોમર્સ જાયન્ટ કંપની સ્થાપવાનું વિચારબીજ રોપાયું હતું. આ પછી તેમણે સંયુક્તપણે પ્રથમ આઈટી અને વેબ સર્વિસીસ કંપની Spinnersની સ્થાપના કરી, જે વિવિધ ટેકનોલોજી કંપનીઓની શરૂઆત અને નિર્માણનો પાયો બની હતી. શાહ અને કોનીને ૧૯૯૮માં Spinnersને વેચી નાંખી હતી. આ પછી તો સોફ્ટવેર કંપની Simplify Mobileની સ્થાપના કરી હતી. આ કંપની ૨૦૦૧માં વેચાઈ હતી.

શાહ અને કોનીને ૨૦૦૨માં હોમ ગુડ્સ અને ફર્નિશિંગ્સનું વેચાણ કરતી ઈ-કોમર્સ કંપની Wayfairની સ્થાપના કરી હતી. શાહ કહે છે કે તેમની કંપનીની ક્ષમતા ગ્રાહકોની જરૂરિયાતોથી એક પગલું આગળ રહેવાની છે. Wayfair સ્થાપનાના ૧૪ વર્ષ પછી હોમ ફર્નિશિંગ્સના અગ્રણી ઓનલાઈન રીટેઈલર્સમાં એક છે. તેમણે ૨૦૦૨માં એક વેબસાઈટ સાથે CSN Stores લોન્ચ કર્યો હતો, જે બારસ્ટૂલ્સથી માંડી બર્ડહાઉસીસ સહિતની આઈટમો વેચતી ૨૫૦થી વધુ સ્ટેન્ડઅલોન સાઈટ્સમાં વિસ્તરી છે. શાહ અને કોનીન હસ્તકની તમાન ઈ-કોમર્સ સાઈટ્સને રીબ્રાન્ડ કરી એકમાત્ર Wayfair બ્રાન્ડની રચના કરાઈ હતી, જે ૭,૦૦૦થી વધુ સપ્લાયર્સની આશરે સાત મિલિયન પ્રોડક્ટ્સની ઓફર કરે છે.

કોર્નેલ યુનિવર્સિટીના ઈજનેરી સ્નાતક શાહે ફોર્ચ્યુન મેગેઝિનની 40 Under 40 યાદીમાં સ્થાન મેળવવા સાથે અર્ન્સ્ટ એન્ડ યંગના એન્ટ્રપ્રિનિયોર ઓફ ધ યર એવોર્ડ પણ જીત્યો છે. પત્ની અને બે બાળકો સાથે બોસ્ટન, મેસેસ્યુસેટ્સમાં રહેતા નીરજ શાહ MITX, ધ ગ્રેટર બોસ્ટન ચેમ્બર ઓફ કોમર્સ, કોર્નેલ યુનિવર્સિટી કાઉન્સિલ અને એન્ટ્રપ્રિનિયોરશિપ એટ કોર્નેલ એડવાઈઝરી કાઉન્સિલના બોર્ડમાં પણ સેવા આપી રહ્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter