વોશિંગ્ટનઃ માનવી માટે પરગ્રહવાસી હંમેશાં ઉત્કંઠાનું કારણ બની રહ્યાં છે. વિશ્વમાં ઊડતી રકાબીઓ દેખાયાના અસંખ્ય દાખલા મોજૂદ છે, પરંતુ તાજેતરમાં ટ્વિટર પર પોસ્ટ થયેલા એક વીડિયોએ રહસ્યમય સવાલો ઊભા કર્યાં છે. અમેરિકાની શસ્ત્રઉત્પાદક કંપની લોકહીડ માર્ટિનની ટેસ્ટિંગ ફેસિલિટી નજીક ટ્રેઇલરની પાછળ મૂકીને લઈ જવાતા ઊડતી રકાબી જેવા એરોડાયનેમિક ઓબ્જેક્ટે સમગ્ર વિશ્વમાં કુતૂહલની સાથે સાથે ઊડતી રકાબીઓ પાછળ અમેરિકાનો હાથ છે કે, કેમ તે અંગે સવાલો સર્જ્યા છે. (વીડિયો નિહાળવા સર્ચ કરો આ લિન્કઃ https://bit.ly/2X4n8F7)
અમેરિકાના મોહેવ ડેઝર્ટમાં આવેલી લોકહીડ માર્ટિનની પ્રોજેક્ટ ટેસ્ટિંગ માટેની હેલેનડેલ રડાર ક્રોસ સેક્શન ફેસિલિટી નજીક આ ફ્લાઇંગ ઓબ્જેક્ટ લઈ જતાં ટ્રકનો વીડિયો સમગ્ર વિશ્વમાં વાઇરલ થઈ રહ્યો છે.
આ અંગે મીડિયા દ્વારા લોકહીડ માર્ટિનના વડાને સવાલો પૂછવામાં આવ્યા હતા, પરંતુ તેમણે કોઈ જવાબ આપવાનો ઇનકાર કરી દીધો હતો. સોશિયલ મીડિયા યૂઝર્સે પણ આ રહસ્ય પરથી પરદો ઉઠાવવા માટે આ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ પ્રોજેક્ટના જનરલ મેનેજર જેફ બેબિવનને સવાલો કર્યા હતા, પરંતુ તેમણે એક સ્મિત સાથે એટલું જ જણાવ્યું હતું કે, હું આ અંગે કોઈ માહિતી આપી શક્તો નથી. તેમનું આ રહસ્યમય સ્મિત ઘણા સવાલો જન્માવી રહ્યું છે.
તેમણે ફક્ત એટલું કહ્યું હતું કે અમારી ટેસ્ટિંગ ફેસિલિટીની સુરક્ષા જડબેસલાક છે. અમેરિકામાં યુદ્ધ વિમાનોનું નિર્માણ કરતી લોકહીડ માર્ટિન કંપનીએ ૧૯૫૦ના દાયકામાં સોવિયેત યુનિયન પર જાસૂસી કરવા માટે સૌપ્રથમ સ્ટીલ્થ જાસૂસી વિમાન તૈયાર કર્યું હતું. લોકહીડ માર્ટિનના રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ પ્રોજેક્ટની તમામ ગતિવિધિઓ અત્યંત ગુપ્ત રખાય છે.
વીડિયો કેવી રીતે શૂટ થયો? યૂઝર્સના સવાલ
કેટલાક યૂઝર્સે સવાલ ઉઠાવ્યો હતો કે, અત્યંત ચુસ્ત સુરક્ષા ધરાવતા મિલિટરી કમ્પાઉન્ડમાં એરિયલ ફ્લાઇંગ ઓબ્જેક્ટ લઈ જતા ટ્રકનો વીડિયો કેવી રીતે ઉતારી શકાયો? ફેસિલિટીમાં જ કામ કરતા કોઈએ સુરક્ષાનું ગંભીર ઉલ્લંઘન કરીને આ વીડિયો તૈયાર કર્યો લાગે છે. તેને ફ્લોરેન્સ કે કોલોરાડોમાં વેકેશન પર મોકલી દેવો જોઈએ. આ તો ગંભીર જાસૂસીનો મામલો લાગે છે. જો આ અમેરિકાનો અત્યંત ગુપ્ત પ્રોજેક્ટ હોય તો સરકારે તેની ગુપ્તતા અંગે પૂરતા પગલાં કેમ લઈ રહી નથી?