એક દસકામાં માણસ ચંદ્ર પર વસવાટ કરતો થઇ જશેઃ ‘નાસા’

Wednesday 23rd November 2022 05:14 EST
 
 

વોશિંગ્ટનઃ કાળા માથાનો માનવી હવે આ દસકામાં ચોક્કસપણે ચંદ્રની ધરતી પર રહેવા જઇ શકશે. અમેરિકાની અંતરીક્ષ સંશોધન સંસ્થા નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન (‘નાસા’)એ આ દાવો કર્યો છે. ‘નાસા’ના મહત્ત્વાકાંક્ષી આર્ટેમિસ-1 પ્રોજેક્ટ હેઠળ અંતરીક્ષમાં મોકલાયેલી ઓરિયન કેપ્સ્યુલ સોમવારે ચંદ્રની એકદમ નજીક પહોંચી હતી. આ પછી ‘નાસા’એ આ દાવો કર્યો હતો.
50 વર્ષ અગાઉ ‘નાસા’ના એપોલો કાર્યક્રમ બાદ ચંદ્ર પર પહોંચનારી પ્રથમ કેપ્સ્યુલ છે. આ કેપસ્યુલમાં અવકાશયાત્રીઓ માટે ડમી સિટિંગ્સની વ્યવસ્થા કરાઇ છે. મતલબ કે તેમાં કોઇ અવકાશયાત્રી તો નથી મોકલાયા, પરંતુ ફ્લાઇટનો હેતુ ચંદ્ર પર અવકાશીયાત્રીઓ માટે યોગ્ય મહોલ સુનિશ્ચિત કરવાનો છે. મિશન દરમિયાન ઓરિયન ચંદ્રની વિવિધ તસ્વીરો અને ડેટા ‘નાસા’ને મોકલશે. 4.1 બિલિયન ડોલરના આ પ્રોગ્રામ સંપૂર્ણ સફળ રહ્યો તો જબરજસ્ત સિદ્ધિ ગણાશે. કેપ્સ્યુલનો કેમેરા સમગ્ર વિશ્વની ઓબ્ઝર્વેટરીને તેના ચિત્રો મોકલશે. કેપ્સ્યુલ ‘નાસા’ના શક્તિશાળી રોકેટ દ્વારા અવકાશમાં તરતી મૂકાશે. આમ કેપ્સ્યુલ પૃથ્વીથી ચાર લાખ કિમી દૂર ચંદ્ર પર જશે. તે ચંદ્રની ભ્રમણકક્ષામાં સપ્તાહ જેટલો સમય ગાળશે. આ પછી તે પૃથ્વી પર પરત ફરશે. 11 ડિસેમ્બરે તે પેસિફિકમાં ખાબકશે તેમ મનાય છે.
ચંદ્ર પર હશે સુવિધા સજ્જ માનવ કોલોની
‘નાસા’ના ઓરિયન લુનાર સ્પેસક્રાફ્ટ પ્રોગ્રામનું સંચાલન કરતા વિજ્ઞાની હાવર્ડ હ્યુએ બીબીસીને આપેલા ઇન્ટરવ્યુમાં ભરપૂર આત્મવિશ્વાસ વ્યક્ત કરતાં કહ્યું હતું કે ‘હા, પૃથ્વીનાં માનવી આ જ દસકામાં ચંદ્રની ધરતી પર રહેવા જઇ શકશે. અને તે પણ લાંબા સમયગાળા માટે. ચંદ્રમા પર, ખાસ કરીને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર એક વિશાળ, સંપૂર્ણ સલામત અને જરૂરી બધી સુવિધાઓ સાથેની કાયમી માનવ કોલોની હશે. સાથોસાથ ચંદ્રની ધરતી પર ફરવા જવા તથા અફાટ કુદરતી સૌંદર્ય નિહાળવા માટેનાં અત્યાધુનિક રોવર્સ (નાના કદની ગાડી જેમાં બેસીને ફરવા જઇ શકાય, જેને ઠેલણગાડી પણ કહેવાય છે) પણ હશે.
હાવર્ડ હ્યુએ વધુ વિગતો આપતાં એમ પણ કહ્યું હતું કે પૃથ્વીના એક માત્ર ઉપગ્રહ ચંદ્રની ધરતી પર કાયમી માનવ વસાહત બનાવવા અમે જરૂરી તમામ સંશોધનાત્મક કામગીરી શરૂ કરી દીધી છે. હાલ ‘નાસા’એ આ જ કાર્યક્રમને પ્રાથમિકતા આપી છે. વળી, ‘નાસા’ ભરપૂર આશા સાથે એમ પણ ઇચ્છે છે કે આપણે પૃથ્વીનાં માનવીઓ ચંદ્ર પર જઇને લાંબા સમય સુધી રહીએ અને ત્યાં વૈજ્ઞાનિક સંશોધન અને અભ્યાસ કરીએ. ઉપરાંત, આપણાં બાળકો, આપણાં બાળકોનાં ભાવિ બાળકો પણ ચંદ્રની ધરતી પર રહેવાનો યાદગાર અને અદભૂત અનુભવ માણે તેવી ઇચ્છા છે.
2022ની 16 નવેમ્બરે 50 વરસ બાદ ચંદ્રયાત્રાએ ગયેલા અર્ટેમિસ-1 કાર્યક્રમનો મૂળ હેતુ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર કાયમી માનવ વસાહત બનાવવા જરૂરી સંશોધન કરવાનો છે. એક વખત ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર કાયમી વસાહત બની જાય તે પછી અમારો ભાવિ કાર્યક્રમ ચંદ્ર પરથી મંગળ પર (મૂન ટુ માર્સ) જવાનો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter