વોશિંગ્ટનઃ કેટલીક કંપનીઓ વિઝા લોટરીના કોમ્પ્યુટરાઈઝ્ડ ડ્રોમાં તેમના કુશળ વિદેશી કામદારો માટે વિઝા જીતવાની તકો વધે એ રીતે તેનો દુરુપયોગ કરતા હોવાનું તેમજ છેતરપિંડી આચરતા હોવાનું તપાસમાં ખુલ્યા બાદ અમેરિકાની ફેડરલ એજન્સીએ એચ-1બી નોંધણી પ્રક્રિયાને આધુનિક બનાવવાની યોજના જાહેર કરી છે. આ સાથે જ હવે પોતાની અરજીમાં ખોટી માહિતી આપનાર કંપની અને અરજદાર સામે પગલાં લેવાની જોગવાઈ કરાઇ છે.
એચ-1બી વિઝા બિન-ઇમિગ્રન્ટ વિઝા છે જે યુએસ કંપનીઓને સૈદ્ધાંતિક અથવા તકનીકી કુશળતાની જરૂર હોય તેવા વિશિષ્ટ વ્યવસાયોમાં વિદેશી કામદારોને રોજગારી આપવાની મંજૂરી આપે છે. ટેકનોલોજી કંપનીઓ ભારત અને ચીન જેવા દેશોમાંથી દર વર્ષે હજારો કર્મચારીઓની સેવા લેવા તેના પર આધાર રાખે છે. એચ-1બી વિઝા ત્રણ વર્ષ માટે અપાય છે અને તેને વધુ ત્રણ વર્ષ માટે લંબાવી શકાય છે.