આણંદ, એટલાન્ટાઃ ગયા જાન્યુઆરીમાં હુમલાખોરની ગોળીનો ભોગ બનેલા ચિરાગ ભાસ્કરભાઇ પટેલનું ૫૧ દિવસની સારવાર બાદ હોસ્પિટલમાં અવસાન થયું છે. આણંદ નજીકના કરમસદના વતની અને છેલ્લા અઢી વરસથી યુએસએના એટલાન્ટામાં સ્થાયી થયેલાં ચિરાગભાઈ પર ૧૫મી જાન્યુઆરીના રોજ લૂંટના ઇરાદે અજાણ્યા શખસે ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગમાં ચિરાગભાઈને પેટમાં બે ગોળી વાગતાં ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતાં. ગોળીબારનો ભોગ બનેલ ચિરાગભાઈ પટેલ ૫૧ દિવસ સુધી જિંદગી સામે જંગ લડ્યા બાદ સોમવારે વહેલી સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. બનાવની જાણ વતન કરમસદમાં થતાં ગામમાં શોક છવાઇ ગયો હતો.