નવી દિલ્હી: ભારતમાં ટૂરિઝમ ઉદ્યોગને વિકસાવવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકામાં વસતા ભારતીય પટેલ સમુદાયને અપીલ કરી હતી. તાજેતરમાં તેમણે વીડિયો કોન્ફરન્સ દ્વારા અમેરિકાનાં સૌરાષ્ટ્ર પટેલ કલ્ચરલ સમાજને સંબોધતાં રમૂજમાં કહ્યું હતું કે, તમે લોકો હોટેલ, મોટેલ, પટેલવાળા તરીકે ઓળખાઓ છો. જો તમારા પૈકી દરેક વ્યક્તિ તમારે ત્યાં આવતી પાંચ વ્યક્તિને ભારતનો પ્રવાસ કરવા પ્રોત્સાહિત કરે તો ભારતમાં ટૂરિઝમ ઉદ્યોગ વધુ વિકસી શકે. કેલિફોર્નિયામાં હાલ પટેલોનાં સંમેલનનું આયોજન કરાયું છે તેની તક ઝડપીને મોદીએ પટેલ સમુદાય સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વાતચીત કરી હતી. ગેસ્ટને પાંચ મિનિટ ભારતનાં જોવાલાયક સ્થળોની ક્લિપિંગ દર્શાવો.
ભારતીયોની અમેરિકામાં ૨૨૦૦૦ હોટેલ - મોટેલ
અમેરિકાનાં મેગેઝિન સ્મિથસોનિયનમાં એક લેખમાં જણાવવામાં આવ્યું હતું કે, અમેરિકામાં મોટેલ અને હોટેલની માલિકી મોટાભાગે મૂળ ભારતીય અમેરિકનોની છે, જેમાં ૭૦ ટકા માલિકો ગુજરાતના પટેલો છે. ૨૦૧૫માં કરવામાં આવેલાં એક તારણ મુજબ અમેરિકામાં પટેલોની વસતી ૨,૫૭,૦૦૦ની હતી. યુએસમાં ટોચની ૫૦૦ અટકોમાં પટેલ અટકનો ક્રમ ૧૭૪મો હતો. અમેરિકામાં મોટેલો ચલાવીને કરોડોની કમાણી કરીને તેમણે ગુજરાતનાં અનેક ગામડાં અને શહેરોને સમૃદ્ધ કર્યાં હતાં અને પોતાનાં નામ દ્વારા યશ અને કીર્તિ મેળવ્યાં હતાં. અમેરિકાના હોટેલઉદ્યોગમાં ૨૨,૦૦૦ હોટેલ્સ અને મોટેલ્સ ભારતીયોની માલિકીની છે જેનું મૂલ્ય ૧૨૮ અબજ ડોલર થાય છે, જેમાં ૭૦ ટકાની માલિકી ગુજરાતીઓની છે અને તેમાં ૭૫ ટકા માલિકો પટેલો છે.