વોશિંગ્ટન: વિશ્વની સૌથી મોટી ઈ-ટ્રેડ કંપની એમેઝોનમાં યુનિયન ના બને એવા વર્ષોના પ્રયાસો આખરે નિષ્ફળ ગયા છે. એમેઝોનમાં ટ્રેડ યુનિયનની રચના કરવાનો પ્રસ્તાવ બહુમતીથી પસાર થઈ ગયો છે. અમેરિકાના કાયદા અનુસાર કંપનીમાં ટ્રેડ યુનિયન બનવું જોઈએ કે નહીં એ અંગે ફેકટરી-કારખાનામાં મતદાન કરાવવામાં આવે છે. 1980થી ટ્રેડ યુનિયનોની લોકપ્રિયતા ઘટી રહી છે. છતાં કાયદા મુજબ સ્ટેટન આઇલેન્ડમાં આવેલા એમેઝોનના સૌથી મોટા મુખ્ય વેરહાઉસના કર્મચારીઓએ એમેઝોન ટ્રેડ યુનિયન બનાવવાના પ્રસ્તાવને 2,121 સામે 2,654ની બહુમતીથી પસાર કરી દીધો છે. આ પ્રસ્તાવ પસાર થતો રોકવા માટે એમેઝોને એક કરોડ ડોલરનો જંગી ખર્ચ કર્યો હોવાનો આરોપ છે. એમેઝોન કંપનીના પ્રવક્તાએ જણાવ્યું કે આ પરિણામથી કંપનીને હતાશા થઈ છે. કંપની માને છે કે કામદારો સાથે સીધો સંબંધ રાખવો હિતાવહ છે.