વોશિંગ્ટન: મ્યુચ્યુઅલ યુએફઓ નેટવર્ક (મુફોન) નામની એજન્સીએ અમેરિકાના સંરક્ષણ વિભાગને એક અહેવાલ સોંપ્યો છે, જેમાં એલિયન્સ વિશે ચોંકાવનારો અને વિચિત્ર દાવો કર્યો છે. આ એજન્સીના કહેવા પ્રમાણે એલિયન્સ માણસના સંપર્કમાં આવી ચૂક્યા છે, એટલું જ નહીં એલિયન્સે મહિલાઓ પર રેપ કરીને તેમને ગર્ભવતી પણ બનાવી છે.
અમેરિકાના સંરક્ષણ વિભાગને આપવામાં આવેલા અહેવાલમાં દાવો થયો છે એ પ્રમાણે યુએફઓ (અનઆઇડેન્ટીફાઇ ફ્લાઇંગ ઓબ્જેક્ટ) પોકળ કલ્પના નથી. એ હવે વાસ્તવિકતા છે અને એલિયન્સ ધરતી પર આવીને માત્ર માણસોના સંપર્કમાં જ નથી આવતાં, પરંતુ ઘણી મહિલાઓનો રેપ કરીને તેમને ગર્ભવતી પણ બનાવી છે. આ વિચિત્ર દાવો યુએફઓના સંપર્કમાં આવ્યાનું કહેનારા લોકોના નિવેદનોના આધારે કરવામાં આવ્યો હતો.
અહેવાલમાં એલિયન્સ રેપ કરીને મહિલાઓને ગર્ભવતી કરતા હોવાની વાત ઉપરાંત લોકોનાં અપહરણો થતાં હોવાની વાતનો પણ ઉલ્લેખ છે. તે સિવાય ટેલિપથી, ટેલિપોર્ટેશન જેવી વિચિત્ર ઘટનાઓની વાત પણ એ અહેવાલમાં થઈ છે. એજન્સીનું માનીએ તો એલિયન્સ અને પૃથ્વીની પાંચ મહિલાઓ વચ્ચે જાતીય સંબંધો બન્યા છે. એલિયન્સના સંપર્કમાં આવનારા માણસો ઈજાગ્રસ્ત બન્યા હતા. કેટલાક વિકિરણથી બળી ગયા હતા. કેટલાકને મસ્તિષ્કમાં સમસ્યા સર્જાઈ હતી. કેટલાકને નસોમાં તકલીફ નોંધાઈ હતી. મનુષ્યો વિચિત્ર વાહનોના સંપર્કમાં આવ્યા હોવાનું એમાં ભારપૂર્વક કહેવાયું છે.
અમેરિકન અખબાર ધ સનમાં એ રીપોર્ટને ટાંકીને અહેવાલ પ્રસિદ્ધ થયો હતો. અહેવાલમાં તો માત્ર એલિયન્સ નહીં, પરંતુ ભૂત-પ્રેત-આત્માની વાતનો પણ ઉલ્લેખ છે. અહેવાલમાં એએન૩ કેટેગરીમાં તેનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે. ૧૫૦૦ પાનાના અહેવાલમાં છેલ્લાં થોડા વર્ષમાં યુએફઓના જેટલા એન્કાઉન્ટરના દાવા થયા છે તેનો પણ ઉલ્લેખ કરાયો છે. ઉલ્લેખનીય છે કે આ એજન્સી નાગરિકોના ઈન્ટરવ્યૂ લઈને તેના આધારે યુએફઓ ઉપર સંશોધન કરે છે.