વોશિંગ્ટનઃ રિપબ્લિકન પાર્ટીના પ્રમુખપદના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ તેના વિવાદાસ્પદ નિવેદનો માટે કુખ્યાત છે. તેમણે ફરીથી આવું એક નિવેદન કર્યું છે કે ઓબામા કરતા રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન વધુ સારા નેતા છે. ઓબામાના શાસનમાં દેશના જનરલ્સનું મોરલ પણ ડાઉન થયું છે.
ડોનાલ્ડ ટ્રમ્પે ઓબામાની નીતિઓની ટીકા કરતા કહ્યું હતું કે જો તે નવેમ્બરમાં પ્રમુખ બનશે અને વ્હાઈટ હાઉસમાં પગ મૂકશે એટલે તેમનો પહેલો દિવસ ખૂબ જ વ્યસ્ત રહેશે. કારણ કે પહેલાં જ દિવસે તે ઓબામાએ લીધેલાં તમામ નિર્ણયો રદબાતલ કરશે અને તેમાં સીરિયાઈ શરણાર્થીઓને શરણ આપવાની અને મેક્સિકો સરહદે દિવાલ બનાવવા સંદર્ભની નીતિઓ જવાબદાર હશે. ટ્રમ્પે હિલેરીને પણ નિશાન બનાવવાની તક જતી કરી ન હતી. તેણે હિલેરીને છેતરપિંડી કરનારી મહિલાનો ખિતાબ આપ્યો હતો અને કહ્યું હતું કે હિલેરી અમેરિકાની પ્રમુખ બનવાને લાયક નથી.