વ્હાઇટ હાઉસ છોડતાં પહેલા યુએસના પ્રમુખ બરાક ઓબામાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ફોન કરીને ભારત-અમેરિકાના સંબધો મજબૂત બનાવવા બદલ આભાર માન્યો હતો. મોદીના વડા પ્રધાન બન્યા પછી બંને દેશો વચ્ચે આર્થિક અને સુરક્ષા ક્ષેત્રે સહકારમાં વધારો થયો છે. ઓબામાએ વ્હાઇટ હાઉસમાં પ્રમુખ તરીકે છેલ્લી પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી.
ઓબામા અને મોદી વચ્ચે ટેલિફોન પર થયેલી વાતચીત દરમિયાન વડા પ્રધાન મોદીએ પણ વિવિધ મુદ્દે ભારતને સમર્થન આપવા અને બંને દેશો વચ્ચેના સંબધો મજબૂત બનાવવા બદલ પ્રમુખ ઓબામાનો આભાર માન્યો હતો. વ્હાઇટ હાઉસના જણાવ્યા અનુસાર મોદી સાથે થયેલી વાતચીત દરમિયાન ઓબામાએ ૨૦૧૫માં ભારતના પ્રવાસને યાદ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે ૨૦૧૫માં પ્રજાસત્તાક દિવસના મુખ્ય મહેમાન તરીકે બરાક ઓબામાને આમંત્રણ આપવામાં આવ્યું હતું. ઓબામાએ ભારતના ૬૮મા પ્રજાસત્તાક દિવસ માટે પણ વડા પ્રધાન મોદીને અભિનંદન પાઠવ્યા હતાં. મોદીએ ઓબામાને ભવિષ્ય માટે પણ શુભેચ્છા પાઠવી હતી.
અમેરિકામાં વંશીય વિવિધતાનું સમર્થન કરતા ઓબામાએ ભવિષ્યમાં એક મહિલા, એક હિંદુ, એક યહૂદ અને એક લેટિન અમેરિકન પ્રમુખ બને તેવી આશા વ્યક્ત કરી હતી. ઓબામાએ અમેરિકાના પ્રમુખ તરીકે વ્હાઇટ હાઉસમાં પોતાના અંતિમ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે જો આપણે તમામ માટે તકો ખુલ્લી રાખીશું તો આપણને એક મહિલા, એક લેટિન, એક હિંદુ કે એક યહૂદી પ્રમુખ મળી શકે તેમ છે.
અમેરિકામાં જાતીય, વંશીય અને ધાર્મિક વિવિધતાનો સ્પષ્ટ ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે કોને ખબર કે આપણને ક્યાં પ્રમુખ મળશે? ઓબામાએ ૨૦૦૮માં જોરદાર વિજય મેળવીને અમેરિકાના પ્રથમ અશ્વેત પ્રમુખ બનીને ઇતિહાસ રચ્યો હતો.
આઠ વર્ષમાં ૫૮ દેશનો પ્રવાસ
પ્રમુખ તરીકે ઓબામાએ આઠ વર્ષમાં વિવિધ ૫૮ દેશોનો પ્રવાસ કરી લીધો છે. ઓબામાના નામે કુલ બાવન ઈન્ટરનેશનલ યાત્રાઓ નોંધાઈ છે. આ દેશોમાં ફ્રાન્સ અને જર્મની બે એવા દેશો છે, જેની ૬-૬ વખત મુલાકાત ઓબામાએ લીધી હતી.
એ પછી પાંચ વખત પ્રવાસ કર્યો હોય એવા દેશોમાં મેક્સિકો અને યુનાઈટેડ કિંગડમનો સમાવેશ થાય છે. ચાર વખત ઓબામા ગયા હોય એવા દેશો અફઘાનિસ્તાન, જાપાન, સાઉદી અરબ અને દક્ષિણ કોરિયા છે. કેનેડા, ચીન અને પોલેન્ડની ત્રણ-ત્રણ વખત મુલાકાત લીધી હતી. તો વળી ભારત જેવા ઘણા દેશોને ઓબામાની બે વખત યજમાની કરવા મળી હતી. ૨૦મી જાન્યુઆરીએ શપથ લીધા પછી ઓબામાએ પહેલી મુલાકાત ૧૯મી ફેબ્રુઆરી (૨૦૦૯)ના દિવસે પડોશી દેશ કેનેડાની લીધી હતી. નવેમ્બર ૨૦૧૬માં દક્ષિણ અમેરિકા ખંડના દેશ પેરુની મુલાકાત લીધી એ પ્રેસિડેન્ટ તરીકે ઓબામાની છેલ્લી સ્ટેટ વિઝિટ હતી. આઠ વર્ષના આ બધા પ્રવાસનો સમય ગણીએ તો સાત મહિના થાય છે.