ઓવલઃઅમેરિકાના પ્રમુખ બરાક ઓબામાએ વ્હાઈટ હાઉસની ઓવેલ ઓફિસમાં દીપ પ્રગટાવી દિવાળીની ઉજવણી કરી હતી. ઓબામાએ આ સાથે એવી આશા વ્યક્ત કરી હતી કે તેમના પછી આવનારા નેતા પણ આ પરંપરા જાળવી રાખશે.
ઓબામાએ જ વર્ષ ૨૦૦૯માં અંગત રીતે વ્હાઈટ હાઉસમાં દિવાળીની ઉજવણી કરી હતી. આ વખતે પણ અમેરિકી પ્રમુખે તેમના વહીવટીતંત્રના કેટલાક ભારતીય-અમેરિકનો સાથે ઓવલ ઓફિસમાં દીપ પ્રગટાવી દિવાળી ઉજવી હતી. ઓબામાએ આનો ઉલ્લેખ ફેસબુક પોસ્ટ પર પણ કર્યો હતો.
વ્હાઈટ હાઉસના ફેસબુક પેજ પર ઓબામાએ જણાવ્યું હતું કે આ વખતે ઓવેલ ઓફિસમાં પ્રથમવાર દીપ પ્રગટાવવાની મને તક મળી છે. અંધકાર પર પ્રકાશ વિજય પ્રાપ્ત કરે છે તેનું પ્રતીક છે આ દીપ. હું આશા રાખુ છું કે ભાવિ પ્રમુખ પણ આ પરંપરાને જાળવી રાખશે. ઓબામાની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ પણ થઈ છે. મોડી રાત સુધીમાં આ પોસ્ટને દોઢ લાખથી વધારે લોકોએ લાઈક કરી છે અને ૩૩ હજા રથી વધારે લોકોએ શેર કરી છે.ઓબામાએ જણાવ્યું હતું કે, હું સમગ્ર ઓબામા પરિવાર તરફથી તમને અને તમારા પ્રિયજનોને દિવાળી પ્રસંગે શાંતિ અને ખુશીની શુભેચ્છા પાઠવું છું. અમેરિકા અને વિશ્વભરમાં જે લોકો આ પ્રકાશ પર્વ ઉજવી રહ્યા છે તેમને દિવાળી મુબારક. હિન્દુ, જૈન, શીખ અને બૌદ્ધ દીપ પ્રગટાવે છે અને પ્રાર્થનામાં તેમને સામેલ કરે છે. પોતાના ઘર શણગારે છે અને પ્રિયજનોનું સ્વાગત કરવા માટે પોતાના બારણા ખોલી દે છે. અમને ખબર છે કે આ દિવસ ખરાબ પર સારા અને અજ્ઞાન પર જ્ઞાનના વિજયનું પ્રતીક છે.
અમેરિકાના પ્રમુખપદની ચૂંટણીના ડેમોક્રેટિક ઉમેદવાર હિલેરી ક્લિન્ટને પણ આ પ્રસંગે હિન્દુ, શીખો, બોદ્ધ અને જૈન લોકોને દિવાળીની શુભેચ્છા પાઠવી હતી.