લંડનઃ ઓરોવિલ ડેમ તૂટવાની ભીતિ વચ્ચે વ્હીટલેન્ડ અને ઓરોવિલે વચ્ચેના શહેરોમાંથી સ્થળાંતર કરાયેલા ૨૦૦થી વધુ લોકોએ વેસ્ટ સાક્રામેન્ટો ગુરુદ્વારામાં આશ્રય લીધો હતો. જેમાં યુબા-સટર કાઉન્ટીમાંથી ખસેડાયેલા એક વૃદ્ધ દંપતીનો સમાવેશ થાય છે. ફરજિયાત સ્થળાંતરના આદેશ બાદ સાક્રામેન્ટો, વેસ્ટ સાક્રામેન્ટો, રોઝવિલે,રિયો લિન્ડા, માન્ટેકા, ટ્રેસી અને સ્ટોકટન ગુરુદ્વારાઓએ લોકોને આશ્રય માટે દ્વાર ખોલી નાખ્યા હતા.આ વિસ્તારમાંથી ભારતીય અને અમેરિકી ખેડૂતો સહિત ૨ લાખથી વધુ લોકોનું અચોક્કસ મુદત માટે સ્થળાંતર કરાયું હતું.
વેસ્ટ સાક્રામેન્ટો ગુરુદ્વારાના મેનેજર રણજીતસિંહે જણાવ્યું હતું કે તેમને બ્લેન્કેટ્સ, પીલો, બેબી ફૂડ અને ચીલ્ડ્રન ફૂડ કપડા, ડાઈપર્સ અને ટોઈલેટરીઝની તાતી જરૂર છે. ભારતીય અમેરિકી ખેડૂત દીદારસિંઘના પુત્ર કર્મ બેઈન્સે જણાવ્યું હતું કે ડેમની પાછળ ૩.૫ મિલિયન એકર ફૂટ પાણી છે અને જો ડેમ તૂટી જશે તો અમારું સર્વસ્વ લૂંટાઈ જશે. આ વિસ્તાર છેલ્લી એક સદીથી પંજાબી અમેરિકી ખેડૂતોના ઘર જેવો છે. રણજીતસિંહે જણાવ્યું હતું કે ગત ૧૪મી ફેબ્રુઆરીની આખી રાત પંજાબી અને બિનપંજાબી લોકોનો તેમને ત્યાં આશ્રય માટે ધસારો રહ્યો હતો. હાલ ગુરુદ્વારા તરફથી ૨૦૦ લોકોને રહેવા સાથે ખોરાક અને મેડિકલ સુવિધા અપાઈ રહી છે.
સ્ટોકટન ગુરુદ્વારાના મહિલા વોલન્ટિયરે જણાવ્યું હતું કે ત્યાં હાલ ૬૦ પરિવાર આશ્રય લઈ રહ્યા છે. તેમને રહેવા ઉપરાંત ભોજન અને મેડિકલ સુવિધા અપાઈ રહી છે. જોકે, દરેકને તેમના ઘરની ચિંતા છે અને તેઓ પાછા ક્યારે જઈ શકશે તેની તેમને ખબર નથી.