વોશિંગ્ટન: મે ૨૦૧૧ની જે રાતે પાકિસ્તાનના અબોટાબાદ કમ્પાઉન્ડમાં અલ કાયદા વડા ઓસામા બિન લાદેનને મારી નાખવાની અમેરિકાએ ગુપ્ત યોજના બનાવી હતી તે જ રાત્રે અમેરિકાએ પોતાના રાજદ્વારીઓને ત્યાંથી બચાવીને ભારત લાવવાની પણ યોજના બનાવી હતી, જેથી તેઓ પાક.ની જાસૂસી સંસ્થા આઇએસઆઇના રોષનો ભોગ ન બની શકે. જોકે આઇએસઆઇએ પોતાના એ અપમાનનો બદલો લેવા માટે સીઆઇએ સ્ટેશનના ત્યારના વડા માર્ક કેલ્ટનને ઝેર આપી દીધું હતું. અમેરિકાના એક અધિકારીએ પોતાનું નામ જાહેર નહીં કરવાની શરતે આ ખુલાસો કર્યો છે.
મેની એ રાત્રે પાકિસ્તાનમાં કેલ્ટન, મન્ટર અને અમેરિકી લશ્કરના એક સિનિયર અધિકારી બિન લાદેન પરની રેડનો ઘટનાક્રમ જોવા દૂતાવાસના એક ગુપ્ત સીઆઇએ રૂમમાં એકત્ર થયા હતા.
રેડના તરત બાદ કેલ્ટનને પેટમાં દુખાવો ઉપડ્યો હતો. એ એટલો અસહ્ય રહ્યો હતો કે તેમને માત્ર મહિનાના ગાળામાં પાકિસ્તાન છોડી દેવું પડ્યું હતું. અમેરિકા પાછા આવ્યા બાદ કેલ્ટને પેટની સર્જરી કરાવી હતી. તેઓ હવે સીઆઇએ સાથે સંલગ્ન નથી તેમ જણાવતાં પેપરમાં ઉમેરાયું છે કે કેલ્ટનની અચાનક બીમારીનો તખ્તો આઇએસઆઇએ જ રચેલો હતો. જોકે તેમને ઝેર આપ્યાનું પુરવાર થઇ શક્યું ન હતું. પરંતુ માનવાને ઘણાં કારણો છે.