આણંદઃ સોજિત્રાના ડેમોલ ગામના વતની રવિ પટેલ પરિવાર સાથે ઘણા વર્ષોથી અમેરિકાના ઓહાયોમાં રહે છે. ૧૪મીએ તેમનો ૧પ વર્ષીય પુત્ર સની પટેલ સ્કૂલેથી સાઉથ ટ્રેલર રોડ પર આવેલા તેના કાકાની રેસ્ટોરાંમાં ગયો હતો. રેસ્ટોરાંના કેશ કાઉન્ટર પર તે ઉભો હતો ત્યારે એક અશ્વેત યુવક હાથમાં ગન લઈને ધસી આવ્યો અને પૈસાની માગ કરીને સનીના લમણે પિસ્તોલ મૂકી દીધી. રકઝક થતાં અશ્વેતે ગોળી છોડી તે વાગતાં સની ત્યાં ઢળી પડયો હતો. બનાવ બાદ યુવક ત્યાંથી ફરાર થઈ ગયો જ્યારે સનીને હોસ્પિટલમાં ખસેડાયો હતો, પણ સારવાર દરમિયાન સનીનું મૃત્યુ થયું હતું. આ ઘટનાની સીસીટીવી ફૂટેજમાં અશ્વેત કેદ થયો હતો. જેના આધારે સ્થાનિક પોલીસે તેની રવિવારે ધરપકડ કરી હતી.