વોશિંગ્ટનઃ અમેરિકાના એક સત્તાવાર રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, ભારતમાં વર્ષ ૨૦૧૮માં પણ ગૌમાંસ માટે ગાયના વેચાણ અથવા તો ગૌહત્યાની અફવાઓ વચ્ચે હિંસક કટ્ટરવાદી હિંદુ સંગઠનો દ્વારા લઘુમતીઓ અને વિશેષ કરીને મુસ્લિમો પર ટોળામાં હુમલા જારી રહ્યાં હતાં. વર્ષ ૨૦૧૮ માટેના આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતાના રિપોર્ટમાં અમેરિકી વિદેશ વિભાગે આરોપ મૂક્યો છે કે, ભારતમાં સત્તાધારી ભાજપના કેટલાક વરિષ્ઠ નેતાઓ દ્વારા લઘુમતી સમુદાયો વિરુદ્ધ ઉશ્કેરણીજનક ભાષણો જારી રહ્યાં હતાં. કેટલીક એનજીઓના જણાવ્યા અનુસાર સત્તાવાળાઓ દ્વારા હુમલો કરનારા અને કાવતરાખોરોને ખટલા અને તપાસથી બચાવવામાં આવી રહ્યાં છે. નવેમ્બર ૨૦૧૮ સુધીમાં આ પ્રકારના ૧૮ હુમલા કરાયા હતા, જેમાં આઠ વ્યક્તિની હત્યા થઈ હતી.