કેલિફોર્નિયાઃ લોકો ખરાબ થઈ ગયેલા ફોન અથવા કમ્પ્યુટરોને ફેંકી દેતાં હોય છે કે હંમેશા માટે સ્ટોરરૂમમાં નાંખી દેતાં હોય છે, પરંતુ આઇફોન માટે જાણીતી એપલ કંપનીએ યૂઝડ ફોન અને કમ્પ્યૂટરોમાંથી ૪૦ મિલિયન ડોલર એટલે કે આશરે ૨૬૪ કરોડ રૂપિયાનું સોનું કાઢયું છે. કંપનીએ તેના રિસાઇકલિંગના ઉદ્યોગથી આ સફળતા મેળવી છે. એપલ દ્વારા બહાર પડાયેલા વાર્ષિક એન્વાયર્ન્મેન્ટ રિપોર્ટમાં જણાવ્યું હતું કે, તેણે કેવી રીતે જૂનાં કમ્પ્યૂટરો અને ફોનમાંથી કમાણી કરી છે.
કંપનીએ માત્ર સોનું જ કાઢ્યું છે એવું નથી. તેણે ઇલેક્ટ્રોનિક વેસ્ટમાંથી આશરે ૬૧ મિલિયન પાઉન્ડનું સ્ટીલ, એલ્યુમિનિયમ ગ્લાસ અને અન્ય વસ્તુઓનાં મટીરિયલ પણ કાઢવામાં સફળતા મેળવી છે. સવાલ થાય કે, આટલું સોનું આખરે કેવી રીતે નીકળી શકે?
ઇલેક્ટ્રોનિક સપ્લાય ચેઇન પર કામ કરનારા એક્ટિવિસ્ટ ગ્રૂપ ફોર ફોન અનુસાર એક સ્માર્ટફોનમાં સરેરાશ ૩૦ મિલિગ્રામ સોનું હોય છે, જે ફોનનાં સર્કિટ બોર્ડ અને ઇન્ટરનલ કમ્પોનન્ટમાં હોય છે. એપલે આવા લાખો ફોન અને કમ્પ્યૂટરોનું રિસાઇક્લિંગ કરે છે.