વોશિંગ્ટનઃ અમેરિકામાં 5 નવેમ્બરે યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં 90 દિવસથી ઓછા સમય બાકી છે. દરમિયાન, ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર અને ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસની વધતી લોકપ્રિયતાથી રિપબ્લિકન પાર્ટી તેના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પની બેચેની વધી ગઈ છે.
કમલા હેરિસના ઉમેદવાર જાહેર થયા પહેલાં ટ્રમ્પ રાષ્ટ્રપતિ જો બાઇડેન સામે આક્રમક હતા અને તેમના પર પ્રભુત્વ ધરાવતા હતા, પરંતુ કમલા હેરિસના આગમન પછી સ્થિતિ બદલાઈ ગઈ છે. તેમને કમલા વિરુદ્ધ વાતાવરણ બનાવવાનો પ્રયાસ કરવામાં સફળતા મળી નથી. મિનેસોટાના ગવર્નર ટિમ વોલ્ઝને ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવ્યા બાદ કમલા હેરિસ સામાન્ય લોકોને નવી-નવી રીતે તેમની વચ્ચે પહોંચ વિસ્તારી રહ્યાં છે જેથી ટ્રમ્પનું ધ્યાન સતત વિચલિત થયું. ટ્રમ્પના સાથીદારો ઇચ્છે છે કે તે મુદ્દાઓ વિશે વાત કરે, પરંતુ કમલાની ગતિએ તેમને વિચલિત કરી નાખ્યા છે.
42 ટકાને હેરિસ પર ભરોસો
અમેરિકાના અર્થતંત્ર અંગે અમેરિકનોને ડોનાલ્ડ ટ્રમ્પ કરતા કમલા હેરિસ પર વધારે વિશ્વાસ છે તેમ તાજેતરમાં યોજાયેલા એક સર્વેમાં જાણવા મળ્યું છે. આ પોલમાં ભાગ લેનારા મતદારો પૈકી 42 ટકા અમેરિકનોને હેરિસ પર વિશ્વાસ છે જ્યારે 41 ટકા અમેરિકનોને ટ્રમ્પ પર વિશ્વાસ છે.
ટ્રમ્પને જો બાઇડેનને કારણે જે ફાયદો થવાનો હતો તે ફાયદો કમલા હેરિસ સામે મળશે નહીં. આ પોલ એક અખબાર અને યુનિવર્સિટી ઓફ મિશિગન દ્વારા સંયુક્ત ઉપક્રમે કરાવવામાં આવ્યો હતો. જો બાઇડેનના હટી ગયા પછી મતદારોના વલણમાં પરિવર્તન જોવા મળ્યું છે. અગાઉ તેઓ બાઇડેનની સરખામણીમાં ટ્રમ્પને પસદં કરતા હતાં. જોકે હવે બાઇડેન હટી ગયા છે ત્યારે મતદારો ટ્રમ્પની સરખામણીમાં કમલાને વધુ પસંદ કરી રહ્યાં છે. શનિવારે કમલા હેરિસે જણાવ્યું હતું કે તે ટૂંક સમયમાં સત્તાવાર આર્થિક નીતિ પ્લેટફોર્મ જારી કરશે. આ પોલનું આયોજન એક ઓગસ્ટથી પાંચ ઓગસ્ટની વચ્ચે કરવામાં આવ્યું હતું.
એપ્રિલ, જૂન અને જુલાઇમાં કરવામાં આવેલા આ સર્વેમાં 41 ટકા લોકોએ જણાવ્યું હતું કે અમેરિકાના અર્થતંત્ર માટે તેમને ટ્રમ્પ પર વિશ્વાસ છે. મેમાં યોજાયેલા પોલમાં 43 ટકા લોકોએ અર્થતંત્રની બાબતમાં ટ્રમ્પ પર વિશ્વાસ મૂક્યો હતો. એપ્રિલ, મે અને જૂનમાં યોજાયેલા પોલમાં ૩૫ ટકા લોકોએ અર્થતંત્રની બાબતમાં બાઇડેન પર વિશ્વાસ મૂક્યો હતો. જો કે તે હટી જતાં તેમના સ્થાને આવેલા કમલા હેરિસ પર 42 ટકા લોકો વિશ્વાસ મૂકી રહ્યાં છે.
ટ્રમ્પના વિમાનનું ઇમરજન્સી લેન્ડીંગ
પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફરીથી માંડ-માંડ બચ્યા છે. તેમના વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી છે. તે મોન્ટોના જઈ રહ્યા હતા, તે સમયે તેમના વિમાનમાં ટેકનિકલ ખામી આવતા તેનું ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડયું હતું. આમ રિપબ્લિકન પાટીના પ્રમુખપદના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ તેમના પરના જીવલેણ હુમલા પછી ફરીથી માંડ-માંડ બચ્યા હતા. એરપોર્ટના ટેકનિકલ કર્મચારીઓના જણાવ્યા મુજબ ટ્રમ્પના વિમાનમાં ટેકનિકલ સમસ્યા આવી હતી. તેના લીધે તેમના વિમાનને રોકી પર્વતની બીજી બાજુએ એરપોર્ટ પર લેન્ડ કરાવવામાં આવ્યું હતું. બિલિંગ્સ લોગાન ઈન્ટરનેશનલ એરપોર્ટના અધિકારી જેની મોર્કલે જણાવ્યું હતું કે ટ્રમ્પનું વિમાન મોન્ટાનામાં બૌઝમેન જઈ રહ્યું હતું.