ન્યૂ યોર્કઃ અમેરિકી ઉપપ્રમુખ કમલા હેરિસના એરિઝોના ખાતે આવેલા પ્રચાર કાર્યાલય પર ગયા સપ્તાહે ગોળીબાર થયા હોવાના અહેવાલ છે. પોલીસનું કહેવું કે 16 સપ્ટેમ્બરે મધરાતે ટેમ્પા ખાતેના ડેમોક્રેટિક પ્રચાર કાર્યાલય પર ઘણા ગોળીબાર થયા હતા. ન્યૂ યોર્ક પોસ્ટે આ જાણકારી આપી હતી. એક અધિકારીએ જણાવ્યું હતું કે મધરાતે ગોળીબાર થયો ત્યારે કાર્યાલયમાં કોઈની હાજરી નહોતી, પરંતુ ગોળીબાર ઈમારતમાં કામ કરી રહેલા લોકોની સલમતી સામે પ્રશ્નાર્થ મૂકે છે. ટેમ્પા પોલીસ વિભાગના જણાવ્યા મુજબ સ્થાનિક ટીવી ચેનલ દ્વારા જારી થયેલા વીડિયો ફૂટેજ દર્શાવે છે કે પ્રચાર કાર્યાલયના દરવાજા પર ગોળીબારના બે નિશાન જોવા મળે છે. કાર્યાલયની બારી પર ગોળીબારના વધુ બે નિશાન જોવા મળી રહ્યા છે. પોલીસ હાલમાં કાર્યાલય ખાતેથી મળી આવેલા ગોળીબારના પુરાવાની મદદથી તપાસ હાથ ધરી રહી છે.