વોશિંગ્ટન: અમેરિકામાં એચ-વન બી વિઝાનો દુરુપયોગ રોકવા ટ્રમ્પ સરકારે બનાવેલા કડક અને નવા નિયમો અનુસાર અમેરિકામાં હવે કમ્પ્યુટર્સ પ્રોગ્રામર્સ અને કોડર્સને એચ-વન બી વિઝા નહીં મળે. યુએસ સરકારે ૩ એપ્રિલથી એચ-વન બી વિઝાની નવી અરજીઓ સ્વીકારવાનું શરૂ કરી દીધું છે. અત્યાર સુધી એચ-વન બી વિઝાનો ભારતીય કંપનીઓ જ સૌથી વધુ ઉપયોગ કરતી આવી છે.
હવે એચ-વન બી વિઝા પર કામ કરતા ભારતીયોની નોકરી સામે ભય ઊભો થયો છે. ટ્રમ્પ સરકારે અમેરિકાની કંપનીઓને ચેતવણી આપી છે કે અમેરિકાનાં સૌથી વધુ કુશળ કર્મચારીઓને કોઈ અન્યાય થવો જોઈએ નહીં કે તેમની સાથે ભેદભાવ રાખવો જોઈએ નહીં. જે કંપનીઓ આ નિયમોનો ભંગ કરશે તેમની સામે કડક પગલાં લેવાશે. એવી ચેતવણી આપવામાં આવી છે.