અમદાવાદઃ દ્વારકાના મીઠાપુરમાં ભણેલી યુવતીએ અમેરિકન એરલાઈન્સમાં વાઈસ પ્રેસિડન્ટ જેવા ઉચ્ચ સ્થાન પર પહોંચીને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. મીઠાપુરનાં પૂર્વ વિદ્યાર્થિની પૂનમ મોહનની ઈન્ફોટેક અમેરિકન એરલાઈન્સના વાઈસ પ્રેસિડન્ટપદે વરણી કરવામાં આવી છે.
પૂનમ મોહન આ પહેલા એર ઈન્ડિયામાં કામ કરતાં હતાં. તેમણે અમદાવાદ ઈન્ડિયન ઈન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટમાંથી એમબીએ કર્યું છે. પૂનમે અમેરિકામાં પોતાની સિદ્ધિનો ડંકો વગાડતાં મીઠાપુરવાસીઓમાં ઉત્સાહનો માહોલ છે. દેશ-દુનિયામાં દરેક ક્ષેત્રમાં ગુજરાતીઓનો દબદબો વધતો જાય છે તે ગૌરવની બાબત છે.
પૂનમે પોતાના ટ્રેક રેકોર્ડ પરથી સાબિત કર્યું છે તેમનામાં જોરદાર પ્લાનિંગની આવડત છે. રેવન્યુ મેનેજમેન્ટમાં તેઓ અત્યંત ઝડપથી નિર્ણય લે છે. તેઓ સશક્ત નેતૃત્વ પૂરું પાડવાની સાથોસાથ દરેક પ્રશ્નના ત્વરિત અને સહજતાથી જવાબ પણ આપે છે. ટેક્નોલોજીને લઈ તેમનામાં ઘણી ધગશ છે. પૂનમ મોહનના પિતાનું નામ સુરેન્દ્ર મોહન છે અને બહેનનું નામ ચાર્મી મોહન છે. તેમના લગ્ન ૨૦૧૭માં થયા હતા. અમદાવાદમાંથી એમબીએ કર્યા બાદ બેચલર ડિગ્રી અલ્હાબાદથી મેળવી હતી. ૨૦૦૨માં અમેરિકામાં માર્કેટિંગની જોબ શરૂ કરી હતી.