ફ્લોરિડા: ‘દેને વાલા જબ ભી દેતા દેતા છપ્પર ફાડકે’ ફિલ્મ ‘હેરીફેરી’નું આ ગીત યુએસમાં રહેતાં ૫૩ વર્ષનાં એક મહિલા સોનિયા ડેવિસને એકદમ બંધ બેસે છે. સોનિયા પેરાથાઈરોઇડ ગ્રંથિમાં કેન્સરની ગાંઠથી પીડાતા હતાં. તેમણે ફ્લોરિડામાં ઓપરેશન પણ કરાવ્યું હતું. ઓપરેશન સક્સેસફુલ રહ્યું હતું અને સોનિયાને નવી જિંદગી મળી હતી. જિંદગી સામે જંગ જીત્યા પછી સોનિયા ખૂબ ખુશ હોવાથી કિસ્મત અજમાવવા તેની પુત્રીને લોટરી ખરીદવા કહ્યું. તેની મોટી દીકરી સ્ટીફને લોટરીની છ ટિકિટ ખરીદી હતી. એમાંથી પાંચ ટિકિટને લોટરી લાગી હતી. સ્ટીફને દરેક ટિકિટમાં કુટુંબના જુદા જુદા સભ્યોના નામ લખ્યા હતા. તેના જ પરિવારના સભ્યોના નામ લકી ડ્રોમાં નીકળતાં તેમનું જીવન બદલાઈ ગયું છે. આખા પરિવારને કુલ ૬.૧ કરોડ પાઉન્ડનું જંગી ઈનામ મળ્યું છે. આ રકમ પરિવારના પાંચેય સભ્યો સરખા ભાગે વહેંચશે.