ટેનેસીઃ કુદરતનું કામકાજ નિશ્ચિત અને સમયાનુસાર હોય છે પરંતુ, ક્યારેક તે કમાલ પણ કરી નાખે છે. તમે જિરાફ તો જોયું જ હશે, પીળા અને બ્રાઉન કલરના ટપકાની પેટર્નથી તે તરત ઓળખાઈ જાય છે. જોકે,અમેરિકાના ટેનેસીના લાઈમસ્ટોન ખાતે આવેલા બ્રાઈટ્સ ઝૂમાં 2023ની 31 જુલાઈએ જિરાફના માદા બચ્ચાએ જન્મ લીધો તેણે આખી દુનિયામાં આશ્ચર્ય ફેલાવી દીધું છે કારણકે તેના શરીર પર કોઈ જાતના ટપકાં નથી અને સંપૂર્ણપણે તપખીરીઆ ઓરેન્જ રંગ કુદરતી કરિશ્મા સમાન છે. સમગ્ર વિશ્વમાં ટપકાંરહિત એક માત્ર જિરાફ હોવાનું કહેવાય છે.
કુદરતે દરેક પ્રાણીને અલગ અલગ રંગ ફાળવેલા છે તેની પાછળનું કારણ પણ તેમને જંગલી પ્રાણી કે પક્ષીના શિકાર બનવાથી બચી જવા અથવા છુપાઈ જવા માટેનું છે. રેઈનફોરેસ્ટના વૃક્ષો કે ઊંચા સવાનાહ ઘાસપ્રદેશના રંગો સાથે પ્રાણીઓ એકાકાર થઈ જાય છે. ઘણી વખત જિનેટિક મ્યુટેશન્સ કુદરતના કાર્યમાં અવરોધ સર્જી આશ્ચર્યો ફેલાવે છે.
બ્રાઈટ્સ ઝૂના નિષ્ણાતો કહે છે કે વિશ્વમાં સોલિડ કલરનું એક માત્ર જિરાફ જનમ્યું છે. છેલ્લે 1972માં ટોક્યો ખાતે ટપકાંરહિત જિરાફનો જન્મ થયો હતો જેનું નામ તોશિકો રખાયું હતું. ઝૂના સ્ટાફ અનુસાર જિરાફના બચ્ચાની ઊંચાઈ 1.82 મીટર (6 ફૂટ) છે અને તેનું નામ શોધવાની કવાયત ચાલી રહી છે. બ્રાઈટ્સ ઝૂ દ્વારા તેના ફેસબૂક પેજ પર નામં શોધવા વોટિંગ શરૂ કરી દેવાયું છે. અત્યારે તેના માટે- કિપાકી (અનોખું), ફિરયાલી (અસામાન્ય), શાકિરી (સૌથી સુંદર) અને જોમેલા (મહાન સુંદરીઓમાં એક) એમ ચાર નામ વિચારણા હેઠળ છે. નામ માટે વોટિંગ 4 સપ્ટેમ્બર સુધી ખુલ્લું છે.
સ્પોટલેસ બેબી જિરાફના લીધે વિશ્વભરમાં જિરાફની જાળવણી તરફ ધ્યાન ખેંચાયું છે. જંગલી જિરાફ ધીરે ધીરે લુપ્ત થવાની દિશામાં જઈ રહ્યા છે. ગત ત્રણ દાયકામાં જિરાફની સંખ્યામાં 40 ટકા જેટલો ઘટાડો નોંધાયો છે. આફ્રિકા અને ખાસ કરીને કેન્યા, સોમાલિયા અને ઈથિયોપિઆમાં જિરાફની વસ્તી જોવા મળે છે. જિરાફ કન્ઝર્વેશન ફાઉન્ડેશન અનુસાર જિરાફના શરીર પર જે ટપકાની પેટર્ન છે તે તેના રક્ષણ ઉપરાંત,ગરમી ગુમાવવાની સિસ્ટમ તરીકે પણ કામ કરે છે. આ રંગીન ટપકાંની નીચે મોટી પ્રસ્વેદ ગ્રંથિઓ હોય છે અને તેની આસપાસ અનોખી રીતે રક્તવાહિનીઓ પણ ગોઠવાયેલી હોય છે જેના થકી શરીરની ગરમીનું નિયમન થતું રહે છે. દરેક જિરાફ માટે ટપકાંની પેટર્ન વિશિષ્ટ હોય છે અને તે માતા તરફથી ઉતરી આવતી હોવાનું મનાય છે.