ન્યૂ યોર્ક: નોર્થ કેરોલિનાની ૪૫ વર્ષીય કેથરીન લેમાન્સ્કીએ પાળતુ કૂતરાના મોં પર ટેપ લગાવેલો ફોટો તાજેતરમાં ફેસબુક પર પોસ્ટ કર્યો હતો. તેણે લખ્યું હતું, ‘આમ થાય છે, જ્યારે તું ચૂપ નથી રહેતો.’ આ ફેસબુક શેર કેથરીનને ભારે પડી ગઈ છે. કૂતરાના મોં પર ટેપ લગાડીને તેને ભસતો બંધ કરવા બદલ કેથરીનને ૬૦ દિવસ સુધી જેલમાં રહેવું પડશે. અમેરિકન કોર્ટે કેથરીનને પ્રાણીઓ પર ક્રૂરતા કરવા માટેની આ સજા આપી છે. લેમાન્સ્કીએ પોતાના બચાવમાં કોર્ટમાં જણાવ્યું હતું કે, તેણે માત્ર ૧૫-૨૦ સેકન્ડ માટે જ આ ટેપ લગાવી હતી. જોકે, પોલીસને તપાસમાં જણાયું કે તેનાથી કૂતરાને કોઈ નુકસાન થયું નહોતું. એનિમલ કંટ્રોલ ઓફિસરે કહ્યું કે કૂતરાનું સારી રીતે ધ્યાન રખાયું છે, તેમ છતાં અદાલતે તેને સજા સંભળાવી દીધી.