નવી દિલ્હીઃ કેનેડાની ઓન્ટારિયો વિધાનસભાએ ૧૯૮૪માં પંજાબમાં થયેલા શીખ વિરોધી રમખાણોને નરસંહાર ગણાવતું બિલ પસાર કર્યું હતું. એ માટે પંજાબની રાજકીય પાર્ટી શિરોમણિ અકાલી દળના પ્રમુખ સુખબીર સિંહ બાદલે ઓન્ટારિયો વિધાનસભાનો આભાર માન્યો હતો. બાદલે એક નિવેદનમાં કહ્યું હતું કે, અમે ઓન્ટારિયો વિધાનસભા અને ઓન્ટારિયો લોકોના ખૂબ આભારી છીએ. પંજાબમાં શીખ સમુદાય ઉપર ૧૯૮૪માં કલંકિત હુમલાઓ થયા હતા. તેને નરસંહાર ગણાવીને ઓન્ટારિયોએ શીખ સમુદાયની લાગણીને વાચા આપી છે. ભારતમાં રહેતા અને ભારતની બહાર કેનેડા સિવાય પણ દુનિયાભરમાં વસતા શીખ સમુદાયના લોકો ઓન્ટારિયો વિધાનસભાની પ્રશંસા કરે એટલી ઓછી છે.
ઓન્ટારિયોમાં શીખ સમુદાયની નોંધપાત્ર વસ્તી છે. ઓન્ટારિયો વિધાનસભાએ શીખ સમુદાયની લાગણીને ધ્યાનમાં રાખીને ૧૯૮૪માં ઈન્દિરા ગાંધીની હત્યા પછી ભારતમાં થયેલા શીખ વિરોધી રમખાણોને નરસંહારની કેટેગરીમાં મૂકીને વિશેષ બિલ પસાર કર્યું હતું. એ માટેનો પ્રસ્તાવ ભારતને પણ મોકલ્યો હતો. જોકે, ભારતના વિદેશ મંત્રાલયે એ પ્રસ્તાવ ફગાવી દીધો હતો.