ટોરોન્ટોઃ કેનેડાના એક ફર્ટિલિટી ડોક્ટર બાર્વિન પર આરોપ છે કે તેમણે ૧૧ જેટલી મહિલા દર્દીઓને પોતાના શુક્રાણુઓ (સ્પર્મ)થી ગર્ભવતી બનાવી છે. મહિલા દર્દીઓની ફરિયાદ છે કે તેમની ઈચ્છા જાણ્યા વગર કે તેમને જાણ કર્યા વગર જ તબીબે પોતાના સ્પર્મથી તેઓને ગર્ભવતી બનાવી દીધી હતી. હવે આ ડોક્ટર ૧૧ બાળકોનાં જૈવિક પિતા છે. આ અંગેનો પ્રથમ કેસ ૨૦૧૬માં ઓટાવાના એક પરિવારે નોંધાવ્યો હતો. આ પરિવારનો દાવો હતો કે ડોક્ટરે વર્ષ ૧૯૯૦માં બાળકીના પિતાના સ્થાને પોતાના સ્પર્મથી મહિલાને ગર્ભવતી કરી હતી. આ કેસમાં સામેલ વકીલોએ કહ્યું હતું કે તેમણે ૧૫૦ અલગ અલગ દર્દીઓ સાથે ડોક્ટર અંગે વાત કરી હતી.
વકીલોએ કહ્યું હતું કે ડીએનએ તપાસમાં જાણવા મળ્યું હતું કે ૧૧ બાળકો કે જેમના માતાપિતા ડોક્ટર પાસે ઈલાજ માટે આવ્યા હતા, એ બાળકોનાં જૈવિક પિતા ખુદ ડોક્ટર બાર્વિન છે. અન્ય એક કેસમાં જાણવા મળ્યું છે કે ૧૬ અન્ય લોકોએ ફરિયાદ કરી છે કે તેમણે ડીએનએ ટેસ્ટ કરાવ્યો તો જાણવા મળ્યું હતું કે તેમના સંતાનના જૈવિક પિતા અન્ય કોઈ છે.