ક્યુબેકઃ કેનેડાના ક્યુબેક શહેરની મસ્જિદમાં એક બંદૂકધારીએ ગોળીબાર કરતાં છ વ્યક્તિનાં મોત થયા છે અને અન્ય ૮ ઘાયલ થયા છે. કેનેડિયન વડા પ્રધાન જસ્ટીન ટ્રુડોએ ૩૦મીએ થયેલા ગોળીબારને ત્રાસવાદી હુમલો ગણાવ્યો હતો.
પોલીસના પ્રવક્તા ક્રિસ્ટીન કોલોમ્બેએ જણાવ્યું કે પોલીસ પણ આ હુમલાને ત્રાસવાદી કૃત્ય ગણે છે. આ હુમલા બાબતે બે શંકાસ્પદની અટકાયત કરવામાં આવી છે. ટ્રુડોએ એક નિવેદનમાં કહ્યું હતું કે મુસ્લિમોના ધાર્મિક સ્થળ પર થયેલા આ હુમલાની અમે નિંદા કરીએ છીએ. કેનેડિયન મુસ્લિમ દેશનો મહત્ત્વનો ભાગ છે અને આ પ્રકારના કૃત્યને અમારા સમુદાય, શહેર કે દેશમાં કોઇ સ્થાન નથી. આ ઘટનાના એક સાક્ષીએ સ્થાનિક સમાચાર ચેનલને જણાવ્યા અનુસાર માસ્ક પહેરેલા બે બંદૂકધારી ૩૦મીએ સાંજે ૭.૧૫ કલાકે મસ્જિદમાં પ્રવેશ્યા હતા. કોલોમ્બેએ કહ્યું હતું કે મૃતકો ૩૫થી ૭૦ વયજૂથના હતા.