કેન્સરને હરાવનાર ભારતીય મૂળના પંજાબીબોય પ્રભજોતનું સપનું પૂરું થયું જ્યારે તે એક દિવસનો પ્રાઈમ મિનિસ્ટર બની ગયો. તેને સ્ટેન્ડિંગ ઓવેશન મળ્યું ત્યારે તે ગદગદ થઈ ગયો હતો. ભારતીય મૂળનો પ્રભજોત લખનપાલ એટલે કે પીજે ખૂબ ખુશ થઈ ગયો છે. તેને વિશ્વાસ નથી કે કેનેડાના વડા પ્રધાન બનવાનું તેનું સપનું પૂરું થઈ ગયું છે. એવામાં તે પોતાને ટાંકણી મારીને બાબતનું આશ્વાસન લઈ રહ્યો છે. હકીકતમાં અઢી વર્ષ પહેલાં જ્યારે તે કેન્સરનો સામનો કરતો હતો ત્યારે તેણે કેનેડાના વડા પ્રધાન બનવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તે સાજો થઈને ઘરે પાછો ફર્યો ત્યારે તે વાત ભૂલી ગયો હતો, પરંતુ ‘મેક વીશ’ સંસ્થાને યાદ હતી. તેથી પ્રભજોતને એક દિવસનો વડા પ્રધાન બનાવવામાં આવ્યો. ઉત્સાહિત પીજે કહે છે, એક દિવસના પીએમ તરીકે ઓટાવાના પાર્લામેન્ટ હિલ પર જવું અદભુત હતું. કોઈ બીજા દેશમાં આવું થઈ શકે નહીં. મેં સપનાંમાં પણ વિચાર્યું નહોતું કે આવું થશે. તે ભવિષ્ય અંગે કહે છે, હું ઓસ્ગુડ હોલ લો સ્કૂલમાંથી અભ્યાસ કરવા માગું છું. મારું લક્ષ્ય નેતા બનવાનું છે, જેથી હું વધુ સારી રીતે દેશવાસીઓની સેવા કરી શકું. મેક વીશ ફાઉન્ડેશનનો આભાર માનતા કહ્યું, હું કેન્સર સામે લડું છું. તેનાથી વધુ ખરાબ કશું હોઈ શકે. આગળ પણ લડતો રહીશ.
પ્રભજોતના પરિવારજનો ભારતના પંજાબમાં મંડી અહમદગઢમાં રહેતા હતા. તે ૧૯૮૮માં કેનેડા આવ્યા હતા. તેના પિતા સુરિંદર લખનપાલ ઓટો મિકેનિક છે. તે પ્રભજોતની માતા અને બહેન સાથે તેને લઈને ટોરોન્ટો પહોંચ્યા. એરપોર્ટ પર આરસીએમપીના જવાન, અધિકારીઓ અને મેક વીશના અધિકારીઓએ તેમનું સ્વાગત કર્યું. ત્યાર બાદ તેને પાર્લામેન્ટ હિલની બાજુમાં ચતેઉ લોરિયલ હોટેલ લી જવાયા. પ્રભજોતને પ્રેસિડેન્શિયલ સ્યુટમાં રોકાણ અપાયું. સુરિંદર કહે છે, કે બીજા દિવસે કેનેડાના ગવર્નર જનરલ ડેવિડ જોન્સ્ટને પીજેનું સ્વાગત કર્યું. તેમણે દેશના વિકાસ અંગે તેના વિચારો પણ જાણ્યા. પીએમ જસ્ટીન ટ્રુડો પણ તેને મળ્યા. જોકે, ભારતમાં પ્રભજોતના ગામમાં કોઈને પણ અંગે જાણ નથી. તેના અંકલ બલવીરસિંહ જણાવે છે, એક સંબંધી તરીકે અમને જાણવા મળ્યું કે પીજેને એક દિવસનો પીએમ બનાવાયો છે.